• શુક્રવાર, 04 જુલાઈ, 2025

ગજોડની કંપનીના સોલાર પ્લાન્ટમાંથી 99 હજારના વાયરની તસ્કરી

ભુજ, તા. 3 : જંતુનાશક દવા બનાવતી ગજોડની ખાનગી કંપનીમાં તેમના ઉપયોગના સોલાર પ્લાન્ટમાંથી મધ્ય રાતે 99 હજારની કિંમતના 200 મીટર વાયર કાપી ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માનકૂવા પોલીસ મથકે ગજોડની સીમ ખાતે આવેલી સુમિટોમો કેમિકલ ઈન્ડિયા કંપનીના એચ.આર. મેનેજર મયૂરભાઈ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપની ખેતીને લગતી જંતુનાશક દવાઓ બનાવવાનું કામ કરે છે. કંપનીની બાજુમાં ખુલ્લી જમીનમાં 1.8 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, જેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો ઉપયોગ કંપનીના પ્લાન્ટમાં થાય છે. આ સોલાર પ્લાન્ટની પાછળની ભાગે આવેલી ચાર પેનલમાંથી નીકળી ઈન્વર્ટર સુધી પહોંચતો વાયર 200 મીટર જેની કિં. રૂા. 99 હજારની તા. 1/7ના રાતના પોણા વાગ્યાથી બે વાગ્યા દરમ્યાન અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે. સીસીટીવી કેમેરા ચકાસતાં ચોર ઈસમો આ વાયર માથે અને ખભા પર ઊંચકીને લઈ જતા દેખાયાનું ફરિયાદમાં લખાવાયું છે. માનકૂવા પોલીસે ફરિયાદ નોંધી છાનબીન હાથ ધરી છે. 

Panchang

dd