• શુક્રવાર, 26 જુલાઈ, 2024

સુથરી પાસેથી 45 કરોડનાં ડ્રગ્સનાં વધુ નવ પેકેટ મળ્યાં

ભુજ, તા. 15 : છેલ્લા અમુક વર્ષોથી ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છ ટ્રાન્ઝીક્ટ પોઈન્ટ બની ગયું છે. ગઈકાલે સુથરી પાસેથી એસઓજીને મેથાએમફેટામાઈનના નવ પેકેટ જેની કિં. રૂા. 45 કરોડ તેમજ નારાયણ સરોવર ક્ષેત્રના મેડીક્રીક સુગર બેટ પાસેથી બીએસએફને 10 ચરસના અને માંડવી પોલીસને ધોળુપીર દરિયેથી 10 ચરસના બિનવારસુ પેકેટ મળ્યા છે. સપ્તાહ દરમ્યાન કચ્છમાંથી કુલ મળીને રૂા. 61.66 કરોડનો માદક પદાર્થ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન અને ડ્રગ્સની ઉપજ માટે કુખ્યાત એવા અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયા માટે ભારત હંમેશાં ડ્રગ્સની અન્ય દેશની હેરાફેરી માટે મહત્વનું રહ્યું છે. ત્યારે ભારતમાં માદક પદાર્થ ઘૂસાડવા માટે છેલ્લા પાંચ- વર્ષથી અરબ સાગર પર નાપાક ડોળો મંડાયો છે. આથી ગુજરાતના અને તેમાં કચ્છનું દરિયાઈ ક્ષેત્ર ડ્રગ્સના ટ્રાન્ઝીક્ટ પોઈન્ટ તરીકે ઉભરી આવ્યું છે. દ્વારકાના રૂપેણ કાંઠેથી મોંઘેરા ચરસના પેકેટ મળ્યા બાદ ત્યાં પણ અલગ-અલગ સ્થળેથી ચરસના પેકેટ મળી રહ્યા છે. અને આવાં પેકેજિંગના ચરસના પેકેટ કચ્છના દરિયા કિનારેથી પણ મળી રહ્યા છે. માદક પદાર્થની નાપાક હેરફેરને અટકાવા ગુજરાત સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે એસ..જી. તેમજ કોસ્ટલ પોલીસ દરિયાઈ ક્ષેત્ર ખૂંદી વળ્યા છે. ગઈકાલે એસઓજી અબડાસાના સુથરી પાસેના દરિયા કિનારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી મેથાએમફેટામાઈનના અંદાજે એક-એક કિલોના નવ પેકેટ મળ્યા હતા. ડ્રગ્સની એક કિલોની આંતરરાષ્ટ્રીય બજાર કિ. રૂા. પાંચ કરોડ છે. આમ માલ 45 કરોડનો હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ ગુણવત્તાવાળું ડ્રગ્સ શુદ્ધ એમડી ડ્રગ્સ હોવાથી જથ્થામાંથી અનેકગણું એમડી ડ્રગ્સ બની શકે છે. ગઈકાલે બીએસએફને પેટ્રોલિંગ દરમ્યાન મેડીક્રીક-સુગર બેટ પાસેથી છૂટાછવાયા બિનવારસુ હાલતમાં ચરસના 10 પેકેટ મળ્યા હતા. ઉપરાંત માંડવી પોલીસને પણ ધોળુપીર દરિયેથી 10 ચરસના પેકેટ રઝળતા હાથ લાગ્યા હતા. જ્યારે બે દિવસ પહેલા અબડાસા  ખિદરત ટાપુ પરથી પણ જખૌ મરીન પોલીસને દસ માદક પદાર્થના પેકેટ મળ્યા હતા. આમ એક સપ્તાહમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં માદક પદાર્થ ચરસના 51 પેકેટ તથા મેથાએમફેટામાઈનના નવ પેકેટ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિ. રૂા. 61,66,34,500 મળી આવ્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang