• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

સસ્તાં સોનાંની લાલચ આપનારા બે ઠગ સકંજામાં

ગાંધીધામ, તા. 23 : સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે   અન્ય રાજ્યના લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરાતી હોવાના અનેક બનાવો બની રહ્યા છે, તે વચ્ચે વધુ એક બનાવ ભુજમાં બન્યા બાદ પોલીસે  બે ઠગબાજને  ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.  આરોપીઓએ પડાવેલી રકમમાંથી મહત્તમ રકમ કબજે કરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પોલીસે આરોપીઓ રમજુ કાસમશા શેખ અને આમદશા જુસબશા શેખને દબોચી લીધા હતા. આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને ફરિયાદીને ભુજ બોલાવ્યા હતા. આરોપીઓએ સોનાના બિસ્કિટ લલચાવવાના ઈરાદે બતાવ્યા હતા અને  બજારભાવ કરતાં ઓછા ભાવે  આપવાની લાલચ આપી હતી.  આરોપીઓએ રૂા. 30 લાખ મેળવી લીધા હતા અને  રૂપિયા કે સોનું આપ્યા ન હતા.બાદમાં ફરિયાદીને સમાધાન માટે અંજાર ખાતે બોલાવાયો હતો અને ધાક-ધમકી કરી સમાધાનના લખાણમાં  બળજબરીપૂર્વક સહી કરાવી લીધી હતી. એક લાખ આપી બાકીની રોકડ કે સોનું આપ્યા ન હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી રમજુ અને આમદશાને ઝડપી પાડયા હતા. આરોપીના કબજામાંથી રૂા. 24 લાખ રોકડા કબજે કરાયા હતા.આરોપીઓના કબજામાંથી એક મોબાઈલ ફોન અને ત્રણ લાખની કિંમતની બલેનો કાર કબજે કરાઈ હતી.આરોપી રમજુ સામે ભુજ, માધાપર, ભુજ એ-ડિવિઝન, મુંદરા પોલીસ મથકે ગુના નોંધાયા છે, જ્યારે આમદશા સામે સુરેન્દ્રનગર સિટીઅંજાર, જોરાવરનગર, સુરેન્દ્રનગર પોલીસ મથકે ગુના નોંધાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd