બદલાતા જતા સમયની સાથે શિક્ષણ સંસ્થાઓની જવાબદારી પણ વધી રહી
છે. વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપીને તેમને ઉમદા નાગરિક બનાવવાની પ્રાથમિક ફરજમાં
હવે તેમને માનસિક રીતે મજબૂત બનાવીને જીવનની સામેના પડકારોનો સામનો કરવા માટે સજ્જ
બનાવવાની જવાબદારી પણ શિક્ષણ સંસ્થાઓના ભાગે આવી છે. વિશ્વનાં આ બદલાઈ રહેલાં ચલણની
સાથે તાલ મિલાવવામાં ભારતની શિક્ષણ સંસ્થાઓ ઊણી ઊતરી રહી હોવાનો તાલ સર્જાયો છે. દેશભરમાં
વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધી રહેલાં જોખમી ચલણે શિક્ષણ સંસ્થાઓની સાથોસાથ સંબંધિત
સરકારી તંત્રોની સામે ગંભીર પડકાર ખડો કર્યો છે. આમ તો સરકાર વિદ્યાર્થીઓમાં માનસિક
તાણ ઘટાડવા માટે સંખ્યાબંધ પગલાં લીધાં છે, પણ કમભાગ્યે આ પગલાંમાં  પાયાનાં સ્તરે
કોઈ અમલ જણાતો નથી. હવે એવી પ્રતીતિ થઈ રહી છે કે, સંસ્થાઓ દ્વારા
સૂચવાયેલાં પગલાંના અમલ તરફ દુર્લક્ષને લીધે આત્મહત્યાના બનાવો ચોંકાવનારી રીતે વધી
રહ્યા છે. હવે સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શિક્ષણ સંસ્થાઓના
વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અંગેની સમસ્યાઓ અને આત્મહત્યાઓના કિસ્સાને પહોંચી વળવા
નિયત દિશા-નિર્દેશ કાર્યરત કરવા અંગે આઠ સપ્તાહની અંદર વિગતવાર અહેવાલ રજૂ કરવાની તાકીદ
કરી છે. આ અહેવાલ આવે ત્યાં સુધી તાકીદનાં પગલાં લેવાની જરૂરત આત્મહત્યાના આંકડા છતી
કરી રહ્યા છે. કેન્દ્રના ગુના સંબંધી રેકર્ડ બ્યૂરોના એક અહેવાલ મુજબ વર્ષ 2023માં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના
13,892 કિસ્સા સામે આવ્યા હતા. આ આંકડા
2013ના બનાવોની સરખામણીએ 34 ટકા જેટલા વધુ છે. વળી ઉલ્લેખનીય
બાબત એ છે કે, વર્ષ 2023માં દેશમાં આત્મહત્યાના જે
બનાવો નોંધાયા હતા તેમાં વિદ્યાર્થીઓના બનાવોની સંખ્યા આઠ ટકાથી વધુ રહી હતી. હવે તો
સૌ કોઈ જાણે છે કે, આત્મહત્યા
જેવાં અંતિમ પગલાં માટે વિદ્યાર્થીઓની માનસિક હાલતને બદતર કરવાની પાછળ ઘણા કારણો કામ
કરતા હોય છે. ભણતરનું દબાણ, શિક્ષણ સંસ્થાઓનો માહોલ અને જાતિ
આધારિત ભેદભાવ જેવાં કારણો ઉપરાંત ઘરની કે આર્થિક તકલીફની તાણમાં જેવી સમસ્યાઓ વિદ્યાર્થીઓને
આત્મહત્યા તરફ દોરી જતી હોય છે.  આ માટે સર્વોચ્ચ
અદાલતે ગઈ 2પમી જુલાઈએ
સરકાર અને શિક્ષણ સંસ્થાઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી, પણ આત્મહત્યાના વધી રહેલા બનાવોએ આ સૂચનાઓના
અમલ માટે પૂરતું ધ્યાન અપાતું ન હોવાની વાસ્તવિકતા સામે આણી છે. હવે સર્વોચ્ચ અદાલતની
નવેસરની સક્રિયતાથી આશા જાગી છે કે, સરકારો અને શિક્ષણ સંસ્થાઓ
વિદ્યાર્થીઓને તાણ મુક્ત કરવાની અગાઉ અપાયેલી સૂચનાઓના અમલ માટે ગંભીરતા સાથે અમલીકરણ
કરાવવાની એક સમાન વ્યવસ્થા તાકીદે ગોઠવશે.