• મંગળવાર, 04 નવેમ્બર, 2025

સી.એ.ની પરીક્ષામાં ભુજના છાત્રે દેશમાં 38મો નંબર મેળવ્યો

ભુજ, તા. 3 : ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સપ્ટેમ્બર- 2025ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ આઈસીએઆઈ ભુજ શાખા દ્વારા નવા પાસઆઉટ થયેલ સી.એ. વિદ્યાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ પરીક્ષામાં ભુજનો નેમ લોદરિયા દેશમાં 38મા ક્રમે ઝળક્યો  હતો. આ પરીક્ષામાં ભુજ સેન્ટર પરથી ફાઇનલ પરીક્ષામાં બંને ગ્રુપ પાસ કરનાર આઠ વિદ્યાર્થી, એક ગ્રુપ પાસ કરનાર 11 વિદ્યાર્થી, ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરનાર 12 વિદ્યાર્થી તથા ફાઉન્ડેશન પરીક્ષા પાસ કરનાર 31 વિદ્યાર્થી સફળ થયા હતા.ભુજ સેન્ટરના નેમ લોદરિયાએ સી.એ. ફાઇનલ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 38 મેળવી સમગ્ર કચ્છનું નામ રોશન કર્યું હતું. ભુજ સી.એ. બ્રાન્ચના ચેરમેન સી.એ. ભાર્ગવ એન. શંકરવાલાએ જણાવ્યું કે, ભુજ શાખાના વિદ્યાર્થીઓ સતત ઉત્તમ પરિણામો મેળવી રહ્યાં છે, જે શાખાનાં માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના પરિશ્રમનું  પ્રતાબિંબ છે. સફળ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. આ કાર્યક્રમ પ્રમુખ-ભાર્ગવ એન. શંકરવાલા, ઉપપ્રમુખ-મનીષા પી. જોશી, સેક્રેટરી- કપિલ વી. ઠક્કર, ખજાનચી-મીત એન. પીઠડિયા, ડબલ્યુઆઈસીએએસએ પ્રમુખ-મહમ્મદઅરીફ એમ. મેમણ, સભ્ય- શાહિદ એસ. મેમણ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરનાર છાત્રોમાં નેમ જયેશ લોદરિયા, હીરાણી હિતેશ, આહીર ક્રિષ્ના કાનજીભાઈ, તીર્થ શાહ, રાહેજુમા રૂસ્તાન ખોજા, ચાવડા હર્ષ હરેશભાઈ, યશ્વી કોઠારી, આનંદ અતુલ ગણાત્રાનો સમાવેશ થાય છે. 

Panchang

dd