• મંગળવાર, 04 નવેમ્બર, 2025

રાપર સંકલનની બેઠકમાં રોડ-રસ્તા, વીજળી-પાણીના વિવિધ પ્રશ્નો ચર્ચાયા

રાપર, તા. 3 : અહીંની મામલતદાર કચેરીમાં આવેલા રાડાના સભાખંડમાં મળેલી રાપર તાલુકા સંકલનની બેઠકમાં રોડ-રસ્તા, પાણી સહિત લોકોને કનડતી સમસ્યાઓની ફરિયાદો ઊઠી હતી અને અલગ-અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી. ભચાઉ પ્રાંત અધિકારી જે.આર. ગોહિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તાલુકાના જર્જરિત રસ્તા, વીજળી અને સિંચાઈનાં પાણીના પ્રશ્નો ચર્ચાયા હતા. સણવા ગામે 11 કેવી લાઈન, રહેણાક વિસ્તારમાંથી બહાર રોડ બાજુ શિફ્ટ કરવા, વન વિભાગ દ્વારા પોતાની હદ નક્કી કરવા, આડેસર સબ સ્ટેશનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા, ભીમાસર-મોડા સબ સ્ટેશન હેઠળના બંધ ફીડર ચાલુ કરવા, ગેડીથી ફતેહગઢ જવાનો જૂનો શોર્ટકટ પાકો બનાવવા, સરાણ જળાશય યોજના અંતર્ગત મૌવાણા અને શિવગઢના ખેડૂતોને વળતર આપવા, રવ અને થોરિયારીમાં વીજપોલ તેમજ વાયરિંગ બદલવા, પેટા કેનાલ શરૂ કરવા, બાલાસરી ગામને પીવાનાં પાણી, આડેસરમાં ગટરનાં પાણીનાં નિકાલ અંગે, ફતેહગઢ ગામે ભોજનારી ડેમથી પાટિયા સુધીનું નાળું સાફ કરવા તેમજ તાલુકાની વિવિધ વાંઢોમાં જ્યોતિગ્રામ કનેક્શન આપવું જેવા પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રાંત અધિકારીએ લોકોને કનડતા પ્રશ્નો અન્ય સમસ્યાઓનું અને મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર બી.કે. કોરાટ, કાર્યપાલક ઈજનેર સ્ટેટ મયંક શાહ, ટીપીઈઓ સામતભાઈ વસરા, ડેપો મેનેજર જે.બી. જોશી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા, વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીમાળી, ડો. જી.એમ. પ્રજાપતિ, એન.બી. પંપાળિયા, વિનુભાઈ થાનકી, કે.આર. ચાવડા, મહેશ સુથાર, આશિષ ગૌસ્વામી, કિશોર મહેશ્વરી, મદુભા વાઘેલા, અરાવિંદ ભાટિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd