મુંદરા, તા. 3 :  છેલ્લા થોડા દિવસોથી મુંદરા તાલુકામાં ચર્ચામાં રહેલી મુંદરા
તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાયરેક્ટરની ચૂંટણીમાં અંતે તમામ 15 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા
છે.  મુંદરા એપીએમસી ઇતિહાસમાં પ્રથમવાર બન્યું
છે કે, જ્યારે તમામ ઉમેદવારો બિનહરીફ થયા હોય. આજે
ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે ખેડૂત મતદાર વિભાગમાં બે ફોર્મની ઉમેદવારી પાછી ખેંચાઈ
જતાં 10 બેઠક માટે 10 ઉમેદવાર રહેતાં અંતે તમામ 15 ડાયરેક્ટર બિનહરીફ જાહેર થયા
હતા. સત્તાવાર વિગત મુજબ એપીએમસી મુંદરાની વર્ષ 2025ની સામાન્ય ચૂંટણીમાં ખરીદ-વેચાણ મંડળી વિભાગમાં એક બેઠક માટે
એક ઉમેદવારી આવતાં અને વેપારી વિભાગમાં ચાર બેઠક માટે ચાર ઉમેદવાર આવતાં તમામ પાંચ
બેઠક અગાઉ જ બિનહરીફ થઈ ચૂકી હતી.   ખેડૂત વિભાગમાં
રહેલા 12 ઉમેદવારમાંથી બે ઉમેદવારે ફોર્મ
ખેંચી લેતાં અગાઉના પાંચ સાથે આજે તમામ 10 ભાજપના મેન્ટેડ સાથેના ઉમેદવારો રહેતાં તમામ બિનહરીફ ડાયરેક્ટરો
તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સહકારી ખરીદ-વેચાણ મંડળીની બેઠકમાં મહેન્દ્રાસિંહ પુંજાજી
જાડેજા `જામ'  બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે વેપારી પેનલમાં રમેશચંદ્ર લાલજી ચોથાણી, નિખિલ
નગીનભાઈ ગોર, બળવંતાસિંહ વેસલજી જાડેજા, રાજેન્દ્ર હરગાવિંદ પાટણિયા ચૂંટાયા હતા. જ્યારે ખેડૂત મતદાર વિભાગમાં અરજણ
રામભાઈ ગઢવી મોટી ખાખર, ચંદ્રકાંત લખુરામ ગોરડિયા પ્રાગપર-2, નારાણ પચાણ સોંધરા બારોઈ, શક્તાસિંહ હઠુભા જાડેજા કુંદરોડી, કેણજી ખેતુભા ચૌહાણ શિરાચા, થાવર ગાભા રબારી ફાચરિયા,
ધનજી ખેતશી ધેડા મોટા કપાયા, રોહિતાસિંહ શિવુભા
જાડેજા નવીનાળ, મનમોહનાસિંહ નવલાસિંહ જાડેજા બરાયા, માદેવા શામજી ગોયલ વાગુરાનો બિનહરીફ વિજેતાઓનો સમાવેશ થાય છે. આજે ભાજપના તમામ
ઉમેદવારોની બિનહરીફ જીતને ઐતિહાસિક ગણાવતાં અને વિજેતાઓને શુભેચ્છા સાથે ખેડૂત હિતના
કાર્યોનો કોલ આપતાં  ચૂંટણીના પ્રચારમાં રહેલા
માંડવી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ બિહારથી આ જીત બદલ હર્ષ સાથે
પ્રતિભાવ આપ્યો કે, આ વિધાનસભા ક્ષેત્રમાં પ્રથમ માંડવી એપીએમસીની
16 અને બાદમાં મુંદરા એપીએમસીની
10 મળીને 26 બેઠક ભાજપના `સબકા સાથ સબકા વિકાસ'ના સૂત્ર સાથે તમામ બેઠકો પર કેસરિયો લહેરાયો
છે. જે માટે સમગ્ર કિસાનો, સહકારી ક્ષેત્રના અને ભાજપના આગેવાનોનો
આભાર છે. નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી વિશ્વકર્મા કચ્છ આવી રહ્યા છે,
ત્યારે માંડવી વિધાનસભા ક્ષેત્ર તરફથી બંને એપીએમસી મળી કુલ 26 કમળના ફૂલની આ તેમને ભેટ છે.
દરમ્યાન, ભાજપની યાદી મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના
નેતૃત્વમાં કેન્દ્રમાં સહકાર મંત્રાલયની જવાબદારી અમિતભાઈ શાહ સંભાળતા હોય,
સરકાર ખેડૂતો માટે પ્રયત્નશીલ હોય ત્યારે મુંદરા એપીએમસી ચૂંટણીમાં વિજય
એ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષને ભેટ સમાન છે. પ્રદેશના મહામંત્રી અને સાંસદ
વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ,
માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, મુંદરા તા. ભાજપના
અધ્યક્ષ શક્તાસિંહ જાડેજાની આગેવાનીમાં પેનલ બિનહરીફ થતાં અભિનંદનની વર્ષા થઇ રહી છે.
આ જીત પ્રસંગે મુંદરા તા.પં. પ્રમુખ મહિપતાસિંહ ગાભુભા જાડેજા, ઈ. પ્રમુખ સોમાભાઈ રબારી, સંગઠન મહામંત્રી માણેક ગઢવી
અને જિજ્ઞેશ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા.