• મંગળવાર, 04 નવેમ્બર, 2025

`કૌર' ટીમને 51 કરોડનું ઇનામ

મુંબઇ, તા. 3 : વિશ્વ વિજેતા બનનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર ઇનામોનો વરસાદ થયો છે. મહિલા વન ડે વર્લ્ડ કપમાં દ. આફ્રિકાને બાવન રને હાર આપીને પહેલીવાર ચેમ્પિયન બનનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બીસીસીઆઇ તરફથી પ1 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. આ જાહેરાત બોર્ડના સેક્રેટરી દેવજીત સૈકિયાએ કરી છે. તેમણે જણાવ્યું છે કે પ1 કરોડનું ઇનામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મળશે. આઇસીસી તરફથી ભારતીય ટીમને ટ્રોફી સાથે 40 કરોડનું ઇનામ અપાયું છે. આ ઉપરાંત જે-તે રાજયની ખેલાડીઓને તેમના ક્ષેત્રની સરકાર તફર અલગ અલગ ઇનામની જાહેરાતો થઇ રહી છે. જ્યારે સુરતના હિરા ઉદ્યોગના અગ્રણી વેપારી ગોવિંદભાઇ ધોળકીયાએ ભારતીય વિશ્વ વિજેતા ટીમની દરેક ખેલાડીને ડાયમંડ જ્વેલરી અને સોલાર રુફટોપ પેનલ આપવાની જાહેરાત કરી છે. આ માટે તેમણે બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા સાથે વાતચીત કરી છે. બીજી તરફ એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે વિજેતા ભારતીય મહિલા ટીમની વિક્ટ્રી પરેડની બીસીસીઆઇએ હજુ સુધી કોઇ યોજના બનાવી નથી. બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ બારામાં જણાવ્યું કે વિક્ટ્રી પરેડના આયોજનને અંતિમ રૂપ અપાયું નથી. દુબઇમાં તા 4થી 7 સુધી આઇસીસીની બેઠક છે એ પછી ટીમના સન્માન સમારંભનું આયોજન થશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આરસીબી પહેલીવાર આઇપીએલ ચેમ્પિયન બની હતી. આ પછી બેંગ્લુરુમાં આરસીબી ટીમની વિક્ટ્રી પરેડનું આયોજન થયું હતું. જેમાં ભાગદોડમાં 20 જેટલા લોકોના મૃત્યુ થયા હતા.  

Panchang

dd