અંજારના વરસામેડી નાકા પાસે તાજેતરમાં જ 9.50 કરોડના માતબર ખર્ચે નવનિર્મિત
અંડર બ્રિજની કામગીરી અને તેની ડિઝાઇન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આશ્ચર્યની વાત
એ છે કે, હજુ સુધી આ બ્રિજનું સત્તાવાર રીતે લોકાર્પણ
પણ કરવામાં આવ્યું નથી, ત્યાં જ માત્ર 3 ઇંચ વરસાદમાં સમગ્ર અંડર બ્રિજ પાણીથી તરબોળ
થઈ ગયો હતો. બ્રિજ પાણીથી લબાલબ ભરાઈ જતાં અનેક નાનાં વાહનો અટવાયાં હતાં. ઉલ્લેખનીય
છે કે, આ બ્રિજના નિર્માણકાર્ય અગાઉ પણ અનેક જાણકારો
અને સ્થાનિકોએ બ્રિજની ડિઝાઇન અને ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા અંગે અગાઉથી
જ શક્યતાઓ વ્યક્ત કરી હતી. જો કે, તે સમયે આ રજૂઆતો પર તંત્ર
દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કરોડોના ખર્ચે
બનેલો બ્રિજ પહેલા જ વરસાદમાં પાણીથી ભરાઈ જતાં, તેની ગુણવત્તા
અને આયોજન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.