ગાંધીધામ, તા. 3 : ભચાઉ તાલુકાના જૂના કટારિયામાં
લગ્ન પ્રસંગમાં વ્યવહાર બાબતે બે સગા ભાઈના પરિવાર બાખડી પડયા હતા. આ મામલે બંને પક્ષે
સામસામે ફરિયાદ નોંધાવી છે. લાકડિયા પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, જૂના કટારિયામાં આ મારામારીનો બનાવ ગત  સાંજના છ વાગ્યાના અરસામાં બન્યો હતો. જમનાબેન ગેલાભાઈ
પરમાર અને તેમના પતિ ગેલાભાઈ દાનાભાઈ પરમાર ઘરે હતા, ત્યારે શામજી
દાનાભાઈ પરમાર, ચમન શામજી પરમાર, મિતુલ
રમેશ પરમાર અને પરેશ ચમન ઘરે આવ્યા હતા. ગેલાભાઈને તેમના દીકરાના લગ્ન પ્રસંગે જે વ્યવહાર
થયો હતો, તે પૈકીના હિસાબ પેટે રૂા. 18000 લેવાના થતા હતા. બુકમાં હિસાબ
જોઈને દાનાભાઈ પરમારે અગાઉ પોતાને લેવાના થતા 4500 રૂપિયા વાળીને 13500 આપ્યા હતા તેવું કહ્યું હતું. ઉશ્કેરાયેલા   ચારેય આરોપીએ બોલાચાલી કરીને દંપતીને તેમજ તેમની
દીકરી અને દીકરાને માર માર્યો હતો, તો સામા પક્ષે શામજી દાનાભાઈ પરમારે વ્યવહાર પેટે 13,500 ઉપરાંત જમણવારના 10 હજાર રૂપિયા આપ્યા હતા તે લેવાના
છે, તેવું કહેતાં તેમના સગા નાના ભાઈ આરોપી ગેલા
પરમાર, જમનાબેન પરમાર, અંજલિ પરમાર અને
નરેશ વિનોદ પરમારે બોલાચાલી કરીને ધકબુશટનો માર માર્યો હતો. દરમ્યાન  નાના ભાઈ મોહનભાઈએ વચ્ચે પડીને બચાવ્યા હતા. બંને
પક્ષે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.