• મંગળવાર, 04 નવેમ્બર, 2025

`સર' માટે કચ્છનું તંત્ર સજ્જ: આજથી ઘરોઘર મોજણી

ભુજ, તા. 3 : કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત 12 રાજ્યમાં ખાસ મતદારયાદી સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવાના નિર્ણય કર્યો છે, ત્યારે સરનાં ટૂંકાં નામે ઓળખાતી સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન કામગીરી માટ કચ્છનું તંત્ર સજ્જ થયું છે. જેમના મારફત આ કાર્ય હાથ ધરવાનું છે, એ તમામ બીએલઓને તાલીમ આપવા સહિતની કામગીરી આટોપી લેવાઈ છે. હવે જિલ્લામાં આ કામગીરી કરવા માટે નિયુક્ત 1848 બી.એલ.ઓ. દ્વારા ઘરોઘર મોજણીનું કાર્ય હાથ ધરવામાં આવશે. - એન્યુમરેશન ફોર્મ ભરાવી ખરાઈ કરાશે : સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન એટલે કે, ખાસ સઘન મતદારયાદી ઝુંબેશ હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ મતદારયાદીને પૂર્ણ ક્ષતિરહિત બનાવવાનો છે. ઘરોઘર મોજણી દરમિયાન બૂથ લેવલ ઓફિસર દ્વારા તમામ મતદારો પાસેથી એન્યુમરેશન ફોર્મ ભરાવાશે. આ ફોર્મના આધારે મતદારયાદીમાં સમાવિષ્ટ બાબતોને અપડેટ કરાશે. સર્વેનું આ કાર્ય ચોથી ડિસેમ્બર સુધી ચાલશે. ફેબ્રુઆરીમાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશ અન્વયે મતદારયાદી ખરાઈનું આ કાર્ય હાથ ધરવામાં આવનારું છે, ત્યારે ચોથી ડિસેમ્બર સુધી મોજણીનું કાર્ય સંપન્ન થયા પછી નવમી ડિસેમ્બરે હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે. મતદારો આ યાદીને લઈ 8 જાન્યુઆરી સુધી દાવો કરી શકશે. સાતમી ફેબ્રુઆરીના આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ સાથે જ પ્રક્રિયા સંપન્ન થશે. - 2002ની મતદારયાદીને આધાર બનાવાશે  : સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર 2002ની મતદારયાદીને આધાર બનાવી મતદારયાદી વેરિફિકેશનનું આ કાર્ય હાથ ધરવામાં આવશે. મતદારયાદીને પૂર્ણ ક્ષતિરહિત કરવાના ભાગરૂપે ખોટી રીતે દાખલ કરાયેલાં નામો દૂર કરવાં, નામોના પુનરાવર્તન થવા સહિતની અન્ય ખામીઓને દૂર કરાશે. 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે મતદારયાદીને ક્ષતિરહિત બનાવવાનું આ કાર્ય પૂર્ણ કરવાનું આયોજન ઘડાયું છે.  

Panchang

dd