• મંગળવાર, 04 નવેમ્બર, 2025

મહિલા ક્રિકેટ વિકાસનો માણેક સ્તંભ રોપાયો

થોડા મહિના પહેલાંનો સિનારિયો હતો કે ક્રિકેટ એટલે માત્ર `મેન ઈન બ્લૂ'... ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓની જ ચર્ચા, પણ હવે હરમનપ્રીત કૌર, શેફાલી, દીપ્તિ, શ્રીચરણી, અમનજ્યોત, ક્રાંતિ ગૌઠ, રિચા ઘોષ, સ્નેહા રાણા જેવી ક્રિકેટરોને દરેક ભારતીય જાણતો થઈ ગયો છે. રવિવારે નવી મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતની વીરાંગનાઓએ મજબૂત પ્રતિસ્પર્ધી દક્ષિણ આફ્રિકા પર શાનદાર જીત સાથે બાવન વર્ષે વિશ્વ ચેમ્પિયન બનવાનો વિક્રમ રચ્યો છે. હરમનપ્રીત કૌરનું નામ કપિલ દેવ, ધોની, રોહિત શર્મા સાથે વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન તરીકે જોડાઈ ગયું છે. ભારતીય ક્રિકેટ માટે આ મહાન ઉપલબ્ધિ છે . એ માટે ટીમના દરેક ખેલાડીને અભિનંદન. દેશ આખો આપણી વીરાંગનાઓની સિદ્ધિ પર ઓળઘોળ છે. શેફાલી અને કૌર કહે છે કે આ જીતનું સપનું સાકાર થયું એ હજુ માનવામાં નથી આવતું.  ક્રિકેટ અનિશ્ચિતતાની રમત કહેવાય છે. 1983માં કપિલ આણિ મંડળીને વન - ડે રમવાનો ખાસ મહાવરો નહીં, છતાં લોર્ડ્સ ફાઈનલમાં બે વખતની વિશ્વવિજેતા કેરેબિયન ટીમને ધૂળ ચાટતી કરી દીધી હતી. અલબત્ત, હરમનની ટીમનું વિજેતા બનવું એ કોઈ અકસ્માત નથી. સમગ્ર સ્પર્ધા દરમ્યાન ખેલાડીઓએ નિરંતર સાતત્ય જાળવ્યું. ઊંચાં લક્ષ્ય હાંસલ કર્યાં. લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે પરાજય મળ્યો હતો. સેમિફાઈનલ અને ફાઈનલમાં એનું દબાણ ખંખેરીને લડાઈ લડી. સેમિ.માં પાંચ વખતની વિજેતા કાંગારુ ટીમે 339 રનનું આપેલું લક્ષ્યાંક બહાદુરીથી પાર કરીને સૌને ચકિત કરી દીધા. મહિલા ટીમ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચીને હારી ગઇ હતી. ટીમનો અભિશાપ આ વખતે તૂટયો છે એનું 1.40 અબજ ભારતીયોને ગૌરવ છે. રવિવારના મહાવિજય સાથે મહિલા ક્રિકેટમાંય ભારત એક શક્તિ તરીકે ઊતર્યું હતું. આ જુસ્સો, ફોર્મ, સફળતાને આગળ લઈ જવાના રહેશે. બીસીસીઆઈએ ખેલાડીઓને બિરદાવવામાં કોઈ કચાશ નથી રાખી. ફાઈનલ વખતે ક્રિકેટ જગતના તમામ દિગ્ગજ અને બોર્ડના વડેરાઓની ઉપસ્થિતિ ખેલાડીઓને પ્રેરિત કરી ગઈ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ છે. તેમણે આ સ્પર્ધા શરૂ થવા પહેલાં જ ઇનામી રકમમાં 300 ટકા વધારો કરતાં ચેમ્પિયન ટીમને રૂા. 41.77 કરોડ મળ્યા છે. એ ઉપરાત બીસીસીઆઇએ ટીમ, ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ માટે રૂા. 51 કરોડની રકમ જારી કરવાની જાહેરાત કરી છે. આવી ચેષ્ટા બીજી મહિલા ખેલાડીઓને ક્રિકેટ મેદાન તરફ આકર્ષશે. વિશ્વકપ વિજય સાથે અનેક ખેલાડીઓનું કૌવત દુનિયા સમક્ષ આવ્યું છે. શેફાલી વર્મા વિશ્વકપ ટીમમાં જ નહોતી... શાનદાર દેખાવ કરનારી ઓપનર પ્રીતિકા રાવલ ઇજાગ્રસ્ત થઇ ને શેફાલીની એન્ટ્રી થઇ. કલ્પનાય નહીં હોય કે ફાઇનલની `પ્લેયર ઓફ ધ મેચ'નું સન્માન શેફાલીને મળશે. ટીમનાં સંયોજન, તાલમેલ, ફિલ્ડિંગ ગોઠવણી અને બોલિંગમાં બદલાવના નિર્ણયો સાથે કેપ્ટન હરમનપ્રીત સૌની પ્રશંસા મેળવી ગઇ. દક્ષિણ આફ્રિકન કેપ્ટન વુલ્વાર્ટ સદી ફટકારીને મજબૂતાઇથી પીચ પર હતી ત્યાં સુધી મેચ બંને તરફ હતી. વુલ્વાર્ટ આઉટ થતાં જ પલડું ભારતની તરફેણમાં નમી ગયું. આ ઐતિહાસિક જીત ગેમ ચેન્જર સાબિત થશે. નવા સ્પોન્સર, કોર્પોરેટ વિશ્વ મહિલા ક્રિકેટને હવે ગંભીરતાથી લેશે. દેશની અન્ય રમતોમાં પણ મહિલા ખેલાડીઓનું મહત્ત્વ રેખાંકિત થશે. 

Panchang

dd