નવી દિલ્હી, તા. 3 : રખડતા કૂતરાઓના
મામલે આકરું વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે સોમવારે હાથ ધરેલી સુનાવણીમાં ગેરહાજર રહેનારા
પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના સચિવો ગેરહાજર રહેતાં કોર્ટે સોગંદનામું દાખલ ન કરનારા
રાજ્યોને સવાલ પૂછવા સાથે આગામી સાતમી નવેમ્બરે યોજાનારી સુનાવણીમાં કોર્ટના નિર્દેશોના
પાલનમાં કોઈ ઊણપ રહેશે તો ફરીથી મુખ્ય સચિવોને બોલાવાશે.  એક મીડિયા હેવાલ મુજબ, બંગાળ અને તેલંગાણાના મુખ્ય સચિવોને બાદ કરતાં
અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની હાજરીમાં યોજાયેલી સુનાવણીમાં
જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એનવી અંજનિયાની વિશેષ ખંડપીઠે
આંધ્રપ્રદેશના વકીલને ગત સુનાવણીના નિર્દેશોના પાલન અંગે સોગંદનામું શા માટે દાખલ નથી
કરાયું તેમ પૂછ્યું હતું. કોર્ટે આ મામલામાં પશુ કલ્યાણ વિભાગને પક્ષકાર બનાવાય તેમ
કહ્યું હતું. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, મોટાભાગના
રાજ્યોએ સોગંદનામું દાખલ કરી દીધું છે. તે પછી સુપ્રીમે આ મામલે 7મી નવેમ્બરે સુનાવણી હાથ ધરવા આદેશ આપ્યા
હતા. તે વેળાએ કોર્ટે કહ્યું હતું કે, 7મીએ મુખ્ય સચિવોને હાજર રહેવાની જરૂર નથી, પરંતુ કોર્ટના નિર્દેશોનું પાલન નહીં થાય તો
ફરીથી બોલાવાશે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગત 22 ઓગસ્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત
પ્રદેશોને પશુ જન્મ નિયંત્રણના નિયમોના પાલન માટે કેયાં પગલાં લેવાઈ રહ્યા છે તેવો
સવાલ કર્યો હતો.