ગાંધીધામ, તા. 3 : ગાંધીધામમાં આંગડિયા પેઢીના
સંચાલકનું પૈસા પડાવવાના ઇરાદે હથિયાર બતાવીને અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલા ફરાર
આરોપીનો બિકાનેર જિલ્લા જેલથી કબજો મેળવીને કોર્ટમાં રજૂ કરાતાં આઠ દિવસના રિમાન્ડ
મંજૂર થયા છે.  ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આરોપી
શ્રવણસિંહ લક્ષ્મણાસિંહ સોઢા (રહે. બંધની બાકરી,
જિલ્લો બિકાનેર)ને આજે બનાવની જગ્યાએ લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું
હતું. આરોપીએ  આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઇ
મોહનલાલ કાંકરેચાનું લૂંટના ઇરાદે અપહરણ કર્યું હતું. આરોપી બિકાનેર જિલ્લા જેલમાં
હતો, ત્યાંથી તેનો કબજો મેળવીને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે
કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન
લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીની પૂછપરછ કરવામાં આવી
છે. આરોપી વિરુદ્ધ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા અને ગુજરાતમાં અલગ-અલગ 25 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.