ભુજ, તા. 3 : માંડવીના રાયણ પાટિયા પાસે
ચાલતાં કામને લઈ નીકળેલા ડાયવર્ઝને દેવપર ગઢના 19 વર્ષીય યુવક હિતેન્દ્રસિંહ તેજમલજી રાઠોડનો ભોગ લીધાનો અરેરાટીભર્યો
બનાવ સામે આવ્યો છે. માંડવીના દેવપર ગઢનો છૂટક મજૂરી કામ કરતો 19 વર્ષીય યુવક હિતેન્દ્રસિંહ
તેજમલજી રાઠોડ તેના કબજાની બાઈક નં. જી.જે.-12-સીએલ- 7850 લઈને ગઈકાલે
સાંજે ઘરેથી માંડવી જવા નીકળ્યો હતો. રાયણ પાટિયા પાસે ચાલતા માર્ગ રિપેરિંગનાં કામને
લઈને ડાયવર્ઝનવાળા માર્ગે જઈ રહ્યો હતો ત્યારે રિપેરિંગ કામના લીધે બનાવેલ ખાડાના લીધે
પડી જતાં તેને માથાંમાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી હિતેન્દ્રસિંહને સારવાર અર્થે માંડવીની
સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં તેનું મોત નીપજ્યું હતું.  હતભાગી યુવક હિતેન્દ્રસિંહના પિતા તેજમલજી પણ મજૂરી
કામ કરે છે અને માતા પ્રફુલ્લાબા જન્મથી એક પગે દિવ્યાંગ છે. આ જુવાનજોધ પુત્રના આ
રીતે આકસ્મિક મોતથી માતા-પિતા પર આભ તૂટી પડયું છે તો પરિવાર અને ગામમાં પણ અરેરાટી
વ્યાપી છે. કોડાય પોલીસ મથકે વિગતો જાહેર થતાં પોલીસે બેદરકારીથી બાઈક ચલાવી હિતેન્દ્રસિંહે
પોતાનું મોત નીપજાવ્યું અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.