• રવિવાર, 16 જૂન, 2024

એનડીએ સરકાર કેટલી ટકશે ?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : લોકસભામાં સ્પષ્ટ બહુમતી હોવાથી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તે પહેલાં ઇન્ડિ મોરચા વતી શરદ પવાર અને અન્ય નેતાઓએ ચન્દ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારને સમજાવવાના નિષ્ફળ પ્રયાસ કર્યા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી કે અમે મોદી સરકાર કેવી ચાલે છે તે જોઈને નિર્ણય - `સમય આવ્યે' લેશું ! મોદી સરકાર માટે આ ચેતવણી છે. નીતીશ અથવા ચન્દ્રાબાબુ નાયડુનાં દબાણને મોદી વશ થાય નહીં તો સરકાર તૂટી શકે છે, પણ આ બંને નેતાઓ જાણે છે કે સરકાર તૂટે તો તેઓ સૌથી પહેલાં ડૂબશે. જો આ બંને નેતાઓ કોંગ્રેસ સાથે જાય તો પણ બહુમતી બનતી નથી એટલે જ `દ્રાક્ષ' ખાટી લાગી છે ! હવે સવાલ એ છે કે, મોદી સરકાર કેટલી ટકશે ? પાંચ વર્ષ પૂરાં કરશે ? રાજકીય ગણતરી અને ભૂતકાળમાં જનતા સરકારનો અનુભવ પણ એવો છે કે કોંગ્રેસ - રાહુલ ગાંધી પાંચ વર્ષ રાહ નહીં જોઈ શકે. શરદ પવારે 1977 પછીનો જનતા સરકારનો ઇતિહાસ જોયો છે, તેથી હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ એમના ઉપર વિશ્વાસ રાખે છે. શરદ પવારની સલાહ અને ગણતરી એવી જ હોવી જોઈએ - હશે જ - કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી ઓક્ટોબરમાં પતી જાય ત્યાં સુધી થોભો અને રાહ જુઓ. હરિયાણા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પણ નવેમ્બર સુધીમાં થનારી છે. આ ત્રણ રાજ્યની વિધાનસભાઓમાં ભાજપની પીછેહઠ થાય તો તેની અસર કેન્દ્ર ઉપર અચૂક પડશે. પાડવી જ જોઈએ. એનડીએ સરકારમાં ખેંચતાણ અને સોદાબાજી થાય તે સ્વાભાવિક છે. વડાપ્રધાન મોદીને ગુજરાતમાં અને નવી દિલ્હીમાં આ સમસ્યા નડી નથી, પણ હવે `એલાયન્સ' સરકાર હોવાથી બાંધછોડ કરવી પડે છે. મુખ્ય કસોટી અગ્નિવીર અને સીએએ ઉપરાંત જાતિવાદી વસ્તી ગણતરીની છે. નાયડુ અને નીતીશને સમજાવવા અને સંભાળવા પડશે. કૃષિ સુધારા વખતે અકાલી દળે એનડીએથી અલગ થઈને મોદીનો વિરોધ કર્યો - આખરે સરકારે નમતું જોખવું પડયું, એવું હવે થાય નહીં તે જોવું જોઈએ. અગ્નિવીરની સમીક્ષા કરવા સહમતી આપવી પણ નાગરિકત્વ ધારાનો વિરોધ કોઈ કરી નહીં શકે. આમ `વ્યવહારુ' બનવું પડશે. શરદ પવાર પહેલેથી કહેતા આવ્યા છે કે, લોકસભા કરતાં મહારાષ્ટ્ર વિધાનસભાનું વધુ મહત્ત્વ છે. લોકસભાનાં પરિણામ નિર્ણાયક આવ્યાં છે. ભાજપને 26 ટકા વોટશેર છતાં 48માંથી માત્ર નવ બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસને 17 ટકા વોટશેરમાં 13 બેઠક મળી છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે - બંનેના પક્ષ તૂટયા. નામ અને નિશાન ગુમાવ્યાં છતાં જીતી શક્યા, જ્યારે એમના ભત્રીજા અજિત પવાર નથી રહ્યા ઘરના કે ઘાટના. એકનાથ શિંદે અને અજિત પવારના સભ્યો હવે `ઘરવાપસી' કરે તો મહારાષ્ટ્ર સરકાર તૂટે - પડે અને વૈકલ્પિક ઉદ્ધવ સરકારના બદલે ચૂંટણી સુધી રાષ્ટ્રપતિ શાસન રહી શકે છે. જો આમ થાય - શરદ પવાર કામચલાઉ સત્તા સ્વીકારે નહીં તો તે પણ એમના લાભમાં હશે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નિશાના ઉપર રાખી શકાય. આમ શરદ પવાર લાંબી રેસના અશ્વ છે ! મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં કોંગ્રેસનો હાથ ઉપર રહે તે માટે અત્યારના તમામ - ભાગીદાર પક્ષોને કોંગ્રેસના છત્ર નીચે રાખશે. 1977માં જનતા પાર્ટી હતી તેવી રીતે. જનતા પાર્ટીની જેમ સત્તા મેળવશે અને સત્તાની ચાવી કોંગ્રેસના હાથમાં રાખશે. નજીકનાં ભવિષ્યનો આ `રોડ મેપ' છે. રાહુલ ગાંધી વાયનાડની બેઠક જાળવીને કેરળ વિધાનસભામાં કોંગ્રેસી મોરચાની બહુમતી મેળવી શકશે. રાયબરેલીની બેઠક પ્રિયંકા વાડરા ગાંધીને સોંપીને ઉત્તરપ્રદેશમાં હાથ અને પગ રાખશે. શરદ પવાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રાહ જોશે. આ વ્યૂહમાં કેવી સફળતા મળશે તે સમય બતાવશે. એક વાત નક્કી છે કે, હવે જો કેન્દ્રમાં સત્તા મળે તો બીજા ડો. મનમોહનસિંહ - અથવા ખડગેની જરૂર નથી - રાહુલ ગાંધી તૈયાર હશે. અલબત્ત, સત્તા મેળવવાની ઉતાવળમાં લોકસભાનું વિસર્જન અને મધ્યવર્તી ચૂંટણી આવી શકે છે... રાજકીય શતરંજમાં કંઈ અશક્ય નથી. મોદી પણ રાજકારણના અનુભવી છે. પવારને પોતાના `ગુરુ' ગણાવ્યા હતા. હવે શરદ પવારની ચાલ સામે સાવધ હશે જ. અમૃતકાળ સાથે કસોટીકાળ પણ શરૂ થયો છે. 000 લોકસભાની ચૂંટણીમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, પણ તમામ વિપક્ષી નેતાઓએ પરિવારની લાઇન લગાડી દીધી. બંગાળ - ઝારખંડમાં અલીબાબાના ખજાના પકડાયા, નેતાઓ જેલમાં ગયા છતાં લોકોની આંખ ખૂલી નહીં ! ઇન્દિરા ગાંધીએ નેતાઓને જેલમાં પૂરવા સાથે સમસ્ત દેશને ગુલામ બનાવ્યો હતો. સંસદ હાજી હા સભા બનાવી હતી. લોકોના મૂળભૂત અધિકાર જપ્ત કર્યા હતા - તેની સજા જનતાએ આપી, જ્યારે મોદીએ ભ્રષ્ટાચાર પકડીને જનતાની સેવા કરી છે એ વાત સ્વીકારી નહીં ? ભ્રષ્ટ નેતાઓ જેલમાં ગયા - સામાન્ય નાગરિકો નહીં, તો પછી નેતાઓને સહાનુભૂતિના વોટ મળ્યા ? કે ભ્રષ્ટાચારનાં લાયસન્સ ? 000 કોંગ્રેસનાં ભવ્ય ભંગાણ પછીની 1971 અને 1972ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને સત્તા મળી ત્યારથી સત્તાનાં રાજકારણમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચારને સ્વીકૃતિ મળી. સંજય ગાંધીની મારુતિ કારનો વિવાદ હતો. ભારતમાં ફિયાટ અને એમ્બેસેડર - બ્રાન્ડની માત્ર બે કાર બનતી હતી અને મધ્યમ વર્ગને પોષાય તેવી નાની કાર બનાવવાની માગણી હતી, પણ તત્કાલીન - પ્લાનિંગ કમિશન જાહેર ક્ષેત્રમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવાની તરફેણમાં હોવા છતાં સંજય ગાંધીનું સ્વપ્ન અને પ્રોજેક્ટ નાની મારુતિ કાર બનાવવાનું હતું, તેથી ઔદ્યોગિક નીતિમાં સુધારો થયો. ઘણા યુવા ઇજનેરોએ પ્રોજેક્ટ આપ્યા, પણ સંજય ગાંધીને મંજૂરી મળી. સંસદમાં વિવાદ ભડક્યો. આ રાજકીય ભ્રષ્ટાચાર છે - આ વિવાદ લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો. ઇન્દિરા કોંગ્રેસે દેશભરમાં પોસ્ટર-યુદ્ધમાં સૂત્ર આપ્યું : મા સરકાર બનાયેગી ઔર બેટા કાર... તુમ લોગ દેખતે રહિયો... (ફિલ્મ બોબીનાં ગીત ઉપરથી) અને `ગેરંટી' સાચી પડી. નેહરુ ગાંધી પરિવારવાદ અને ભ્રષ્ટાચારને જનતાની મંજૂરીની મહોર મળી ! ચૂંટણી પ્રચારમાં સાડી-ધોતી-શરાબ અને `ગૌ-માંસ'ની છૂટનો છૂટથી ઉપયોગ થયો. સત્તા માટે ચૂંટણીના ભ્રષ્ટાચાર અને સરકારી ઉપયોગ શરૂ થયો, પણ આખરે 1977માં સુપ્રીમ કોર્ટે બ્રેક મારી. 1977માં કેન્દ્રમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી જનતા સરકાર આવી. ગાંધી પરિવારે સત્તા ગુમાવી, પણ બે જ વર્ષમાં કેન્દ્રની પ્રથમ વિપક્ષી - મોરચાની સરકાર તોડવામાં સફળતા મળી અને ઇન્દિરા ગાંધી ફરીથી સત્તા ઉપર આવ્યાં. અલબત્ત, નેહરુનાં અવસાન પછી લાલબહાદુર શાત્રી વડાપ્રધાન બન્યા ત્યારે ઇન્દિરા ગાંધીએ ધમકી આપી હતી કે, જોઈ લઈશ કેવી રીતે સરકાર ચલાવી શકશો... 1977માં મોરારજીભાઈની સરકાર પણ ટકી શકી નહીં અને 1984થી 1989 અને તે પછી મોરચા સરકારો - ઘણી વખત કોંગ્રેસના ટેકાથી આવી અને ગઈ... રાજકીય ઇતિહાસનાં આ પ્રકરણ નવી પેઢી જાણતી નહીં હોય તે સ્વાભાવિક છે અને જાણવાની પરવા હોય નહીં તે દેખીતું છે. હવે રાહુલ ગાંધી ફરીથી - મોરચાની મદદથી સત્તા મેળવીને ઇન્દિરા ગાંધીના ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang