મુંદરા, તા. 11 : મુંદરાનો ઐતિહાસિક હંસ ટાવર
હવે થોડા દિવસનો મહેમાન છે. આગામી સમયમાં આ ટાવરની જર્જરિત અવસ્થાને લઈને તોડી પાડવાનો
નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, આ જ સ્થાને
અને એ જ પ્રકારના હંસ ટાવરનું નિર્માણ કરવામાં આવશે. મુંદરાની ઓળખ સમા અને અનેક યાદોને
સાચવીને બેઠેલા આ ઐતિહાસિક, નગરના મુખ્ય પ્રવેશદ્વારની હાલત અત્યારે
અતિ જર્જરિત જોવા મળી રહ્યી છે. આ રાજાશાહીના
વખતમાં બનેલું નાકું ગમે ત્યારે ધસી જાય તેવી દહેશત જોવા મળે છે. આ નાકામાં ખાસ કરીને
વરસાદની સિઝન સહિત વારંવાર પથ્થરો ખર્યા છે.
આજે પણ પથ્થર ખરી રહ્યા છે અને રાહદારીઓમાં ભય ફેલાયો છે. રોજના હજારો માણસોની
અહીં અવરજવર થાય છે, ત્યારે જીવનું જોખમ પણ ઊભું થાય છે.આ સંજોગોમાં
નગરજનોની આ નાકાંને તોડી પાડવાની માગણીને ધ્યાને લઈને નગરપાલિકાએ આગામી સમયમાં ખાસ ઠરાવ કરીને તેને ઉતારી પાડવાનો નિર્ણય લીધો
છે. નગરપાલિકાનાં સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું
કે, માત્ર ઉતારી પાડવામાં જ નહીં આવે, પણ
તેના જેવો જ, એ જ પ્રકારના ટાવરનાં નિર્માણ માટેના દાતા પણ તૈયાર
છે, જેની ટૂંકમાં જાહેરાત થશે. વિશ્વસનીય રીતે જાણવા મળ્યા પ્રમાણે,
નગરપાલિકાએ વારંવાર પુરાતત્ત્વ
સહિત અનેક તંત્રોનો સંપર્ક કર્યો, પણ યોગ્ય પ્રતિસાદ ન
મળતાં અંતે નગરપાલિકા શહેરના અને લોકોનાં જોખમને ધ્યાને લઈ લોકહિતમાં આગળ વધી રહી છે.