ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ સંકુલમાં અત્યાર સુધીમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
માર્ગોની સ્થિતિ તો ખરાબ થઈ જ છે, તેની
સાથોસાથ અનેક જગ્યાઓ ઉપર ગટરલાઈનો બેસી ગઈ છે, તો મુખ્ય લાઈન
ઉપર ભૂવા પણ પડી ગયા છે. ગાંધીધામમાં અત્યાર સુધીમાં અલગ-અલગ સાત જગ્યા ઉપર લાઈનો બેસી
ગઈ હોવાનું સામે આવ્યું છે, તેમાં મુખ્ય લાઈનોની મરંમત પણ શરૂ
કરી દીધી છે, પરંતુ સુભાષનગરમાં જીયુડીસીએ થોડા મહિના પહેલાં
જ નાખેલી લાઈન બેસી જતાં સવાલો ઊઠયા છે. ગાંધીધામના અપનાનગર ચાર રસ્તા ઉપર મુખ્ય લાઈનમાં
ભંગાણ પડયું હતું. સમસ્યા વિકરાળ બને તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા અહીં ચેમ્બર ટુ
ચેમ્બર પાઇપ બદલવાની કામગીરી કરવામાં આવી છે. બે અલગ- અલગ જગ્યા ઉપર લાઈન બેસી ગઈ હતી,
તો સેક્ટર વિસ્તારમાં પણ બે અલગ-અલગ જગ્યા ઉપર મુખ્ય લાઈનો બેસી ગઈ છે
અને તેનો રિપોર્ટ થઈ ગયો છે, ટૂંક સમયમાં મરંમતની કામગીરી શરૂ
કરાશે તેમ સંબંધિત વિભાગ કહી રહ્યો છે. આ ઉપરાંત અલગ- અલગ વિસ્તારોમાં અનેક જગ્યાઓએ
નાની-મોટી લાઈનો બેસી ગઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના સુભાષનગરમાં ક્રિકેટબોક્સ
પાસે જીયુડીસીએ થોડા મહિના પહેલાં નાખેલી લાઈન બેસી ગઈ છે. પાલિકાના સંબંધિત વિભાગે
વાતને સમર્થન આપ્યું છે. અહીં પાણી રોડ ઉપર જઈ રહ્યું છે અને મહાનગરપાલિકાએ જીયુડીસીને
લાઈનની મરંમત કરવા માટે કહી દીધું છે, પરંતુ તાજેતરમાં જ નાખેલી
લાઈનમાં આવી સ્થિતિ ઊભી થતાં સવાલો ઊઠી રહ્યા છે, જ્યારે મેઘપર
કુંભારડીના શ્યામનગરમાં ગટરની લાઈન તૂટી ગઈ છે. અહીં વહીવટી તંત્ર દ્વારા મરંમતની કામગીરી
શરૂ કરવામાં આવી હોવાનું જવાબદારોએ કહ્યું હતું.