બિહારમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના
પડકારનો મુદ્દો ચર્ચાની એરણ પર છે. દેશમાં વિકાસના એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરાયું
છે ત્યારે બિહારમાં ગુનાખોરીને નાથવાની અનિવાર્યતા સતત સામે આવતી રહી છે. છેલ્લા થોડા
દિવસ દરમ્યાન રાજ્યમાં હત્યાના બે ચોંકાવનારા બનાવ બનતાં સ્વાભાવિક રીતે નીતીશકુમાર
સરકારના સુશાસન અને અપરાધમુક્ત વહીવટની તાકાતની
સામે ગંભીર સવાલ ખડા કર્યા છે. શુક્રવારે મોડી રાત્રે બિહારની રાજધાની પટણાનાં મધ્યમાં
ભારે સલામત ગણાતા વિસ્તારમાં એક વેપારીની ગોળી મારીને હત્યા કરી નખાઈ હતી. હત્યારા
આરામથી ફરાર પણ થઈ ગયા હતા. આવો જ એક બનાવ સીવાન જિલ્લાના મલમલિયા ચોકમાં બન્યો, જ્યાં ગુનેગારોએ ખુલ્લેઆમ પાંચ
જણને તલવારથી કાપી નાખ્યા હતા. આ હુમલામાં ત્રણ જણનાં મોત નીપજ્યાં હતાં અને બે ગંભીર
રીતે ઘાયલ થયા હતા. આ બન્ને બનાવોએ બધુ બરાબર હોવાના રાજ્ય સરકારના પ્રચારની પોલ ખોલી
નાખી છે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં જંગલરાજના અંતના સૂત્ર સાથે
નીતીશકુમારની સરકાર બની હતી, પણ આવા બનાવોએ જંગલરાજના ખાતમાની
કોઈ પ્રતીતિ થવા દીધી નથી. હાલત એવી છે કે, રાજ્યમાં કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ ભારે ચિંતાજનક છે. નીતીશકુમારની સરકાર કોઈ ખુલાસો કરી શકે તેમ નથી.
બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ રહી છે. મતદારયાદી સુધારાઈ રહી છે,
પણ આવા રાજકીય જંગના આરંભે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સામે પડકાર
ઊભા થાય તેવા બનાવો બને ત્યારે સ્વાભાવિક રીતે તેના રાજકીય ઉપયોગને નકારી શકાય તેમ
નથી. વિપક્ષોએ નીતીશ સરકાર સામે મોરચો ખોલીને આ મુદ્દાને વધુ ઉછાળવાનું શરૂ પણ કરી
દીધું છે. આમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર સામે મોરચો ખોલાય તેમાં કોઈ
વાંધો હોઈ શકે નહીં, પણ ચૂંટણીનો તખતો તૈયાર શરૂ થઈ રહ્યો છે
તેવા સમયે સ્વાભાવિક રીતે આવા બનાવો વધતા તેના રાજકીય સૂચિતાર્થો પર પણ ધ્યાન અપાવું
જોઈએ. આ બનાવોએ જો કે બતાવી આપ્યું છે કે, બિહારમાં ગુનેગારોની
બોલબાલા યથાવત્ છે. આ બનાવોની પાછળ રાજકીય ઉદ્દેશ હોય તો પણ ગુનેગારોને નાથવામાં રાજ્ય
સરકારની નિષ્ફળતાને કોઈપણ હિસાબે અવગણી શકાય નહીં. આવનારા દિવસોમાં આવા બનાવોમાં વધારો
થાય તો તેની પાછળના રાજકીય કારસાની ભીતિ વધુ સ્પષ્ટ બની શકે છે, પણ હવે આવા બનાવ બને જ નહીં તે માટે રાજ્ય સરકારે તેના પોલીસ અને ગુપ્તચર તંત્રને
વધુ સાબદા અને કડક બનાવવા પર ખાસ ધ્યાન આપવાની જરૂરત છે. રાજ્યમાં ફરી જંગલરાજ માથું
ઊંચકે નહીં તે સરકાર અને સામાન્ય લોકો તમામના હિતમાં રહેશે. આવનારો સમય નીતીશકુમાર
સરકાર માટે ભારે કસોટીનો બની રહેશે એ નક્કી છે.