• શનિવાર, 12 જુલાઈ, 2025

બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે. આ માહિતી ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી)ના નિર્દેશક નીલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, આ મહત્ત્વાકાંક્ષી પરિયોજના પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ઈસરો તેના  રોકેટ લોન્ચ કરશે. તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે, ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે. શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, ઈસરો હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિગ સિસ્ટમ્સ પર કેન્દ્રીત કરી રહ્યું છે. આ ઉપરાંત ઈસરો આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારત સરકારે ઈસરોને એપ્રિલ 2026 સુધીમાં નવા બાવન ઉપગ્રહ સર્વેલન્સ નેટવર્કનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાંથી 31 ઉપગ્રહ ઈસરો દ્વારા બનાવવામાં આવશે અને લોન્ચ કરવામાં આવશે, જ્યારે બાકીના 21 ઉપગ્રહ ત્રણ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવશે. આ સમગ્ર નેટવર્ક 2029 સુધીમાં તૈનાત કરવામાં આવશે. 

Panchang

dd