ગાંધીધામ, તા. 11 : અંજારની વરસાણા ચોકડીએ બાળકો
સાથે મળી આવેલી મહિલાની વહારે અભયમ આવી હતી. પોતાના પતિને મૂકીને એરોપ્લેનમાં બેસવા
તથા પ્રેમમાં પાગલ બનેલી આ મહિલાને સોશિયલ મીડિયા થકી ઝાળમાં ફસાવી ઠગબાજોએ મહિલા પાસેથી
પૈસા પડાવી લીધા હતા. આ બનાવથી સોશિયલ મીડિયાનું વધુ એક વરવું રૂપ બહાર આવ્યો છે. ઉત્તર
પ્રદેશની એક યુવતીએ યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નજીવન થકી તેમને બે સંતાનની
પ્રાપ્તિ થઇ હતી. આ દંપતી છેલ્લા કેટલાક સમયથી ભચાઉ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં કામ
કરી શ્રમિક વસાહતમાં રહે છે. દરમ્યાન મહિલા છેલ્લા છ-સાત મહિનાથી સોશિયલ મીડિયાથી સોશિયલ
મીડિયા થકી એક શખ્સના સંપર્કમાં આવી હતી. આ શખ્સ પોતે લંડનનો રહેવાસી અને મધ્યપ્રદેશમાં
બિઝનેસ ધરાવતો હોવાનું કહી મહિલાને ઝાળમાં ફસાવી હતી. બાદમાં મહિલાને લગ્નની લાલચ આપી
બાળકો સાથે લંડન લઇ જવાની વાતો કરી હતી. આ શખ્સે ક્યારેય વીડિયો કોલ કર્યો નહોતો તેમજ
પોતાનો ફોટો મહિલાને બતાવ્યો ન હતો, પરંતુ એરોપ્લેનમાં બેસવા તથા વિદેશ જઇ વસવાટ કરવા અને પ્રેમમાં અંધ બનેલી આ
મહિલાએ આ શખ્સ ઉપર આંધળો વિશ્વાસ કર્યો હતો. દરમ્યાન આ ઠગબાજે પોતે લંડનથી મહિલાને લેવા આવી રહ્યો હોવાનું
કહી પોતાના માતા-પિતાએ દોઢ લાખ રૂપિયાનો સામાન મોકલાવ્યો છે, પરંતુ એરપોર્ટ ઉપર પોલીસે પકડી પાડયો છે, તેને છોડાવવા
રૂા. 9000 ભરવાની વાત કરી હતી. આંધળા
પ્રેમમાં બધુ ભૂલેલી આ મહિલાએ પોતાના પતિના મોબાઇલની ચોરી કરી બારોબાર વેચી માર્યો
હતો અને રૂા. 3000 આ ઠગના જણાવ્યા પ્રમાણે પોલીસ
બનેલા ઠગબાજના ખાતામાં મોકલી આપ્યા હતા. બાદમાં પોતે વરસાણા ચોકડીએ જઇને લંડનવાસીની
રાહમાં લાંબા સમય સુધી બેસી રહી હતી કોઇ જાગૃત નાગરિકે આ અંગે 181-અભયમને જાણ કરતાં ટીમના કાઉન્સિલર
નિરૂપાબેન બારડ, કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન
ઠાકોર ત્યાં પહોંચ્યા હતા અને આ મહિલાની આપવીતી સાંભળી હતી. બાદમાં ઠગબાજ પોલીસનો સંપર્ક
કરાયો હતો અને ઠગ ટોળકીએ મહિલાને ધૂતી લીધો હોવાનું બહાર આવ્યું હતું, તેના પતિનો સંપર્ક કરી ત્યાં બોલાવાતાં પતિ સવારથી બાળકો, પત્નીને શોધતો હોવાનું બહાર આવ્યું હતું. આ દંપતીને સમજાવી પરત ઘરે મોકલાયા
હતા.