ભુજ, તા. 11 : શહેરની જૂની રાવલવાડી વિસ્તારની સમસ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. છેલ્લા
12 મહિનાથી વિવિધ તંત્રમાં ફરિયાદ
કરવા છતાં કોઇ ઉકેલ આવતો ન હોવાનો રહેવાસી દ્વારા આક્ષેપ કરાયો હતો. સમસ્યાઓ અંગે ભાજપના
જ કાર્યકર ભરતભાઇ અજાણીના જણાવ્યા અનુસાર ગાયત્રી મંદિર ભુજથી વ્યાયામશાળા, હનુમાન મંદિર, ઘનશ્યામ
વાડીથી પિંગલેશ્વર મંદિર ચોકથી અંદરનો ગાયત્રી
ગરબી ચોક અને વચ્ચે આવતી શેરીઓમાં ખાડાઓથી રહેવાસીઓ અને સિનિયર સિટીઝન લોકો માટે કમર-મણકાની
પીડાઓ રોજ-બ-રોજની થઇ ગઇ છે. ગત દિવાળી પહેલાં ગેસલાઇનનાં કામ માટે ખાડા ખોદાયા જે
છ ઇંચ કે તેથી વધુ મોટા થઇ ગયા છે, જેના કારણે વાહનચાલકોની હાલત
દયનીય બની છે. ગેસ કંપની પાસે રજૂઆત કરતા તેઓએ
સ્પષ્ટ જણાવ્યું કે, કોંક્રેટ કામના રૂપિયા નગરપાલિકાને ચૂકવી
આપ્યા છે અને એ જવાબદારી એમની છે. જૂની રાવલવાડી પાણીના ટાંકાથી અંદર આવતા માર્ગે પણ
ખાડા છે. બિનજરૂરી જગ્યાએ લગાવતા ઇન્ટરલોક,
પાણીનાં વિતરણની સમસ્યા, સફાઇ અનિયમિત સાથે વારંવાર
વીજ વિક્ષેપ અને તેના પગલે ઉપકરણોને નુકસાન સહિતની સમસ્યાઓથી રહેવાસીઓ ત્રસ્ત બન્યા
હોવાનું જણાવી સમસ્યા ઉકેલવા માંગ કરી હતી.