મુંબઈ, તા. 11 : જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ
આજે જાહેરાત કરી હતી કે, અદાણી પરિવાર
હવે દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને વધુ સુધારવા માટે કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે પહેલાથી જ જાહેર કરાયેલા 60 હજાર કરોડ રૂપિયા પૈકીના મોટો
હિસ્સાનું રોકાણ કરશે. મુંબઈમાં તબીબોને સંબોધતા ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, આજે દેશમાં કમરના દુ:ખાવાની સમસ્યા ઘણી વધી
ગઈ છે અને તે વિકલાંગતાનું મુખ્ય કારણ બની રહી છે. તેમણે કહ્યું છે કે, જ્યારે લોકો દુ:ખાવાને કારણે ઊભા રહી શકશે નહીં, તો આ
દેશ કેવી રીતે ઉભરી શકશે. પોતાની ભવિષ્યની યોજનાઓ રજૂ કરતા તેમણે કહ્યું હતું કે,
અદાણી ગ્રુપ મુંબઈ અને અમદાવાદથી શરૂઆત કરીને અદાણી હેલ્થકેર ટેમ્પલ્સ
નામની મોટી અત્યાધુનિક હોસ્પિટલો બનાવવાની
યોજના ધરાવે છે. આ હોસ્પિટલ એઆઈ પર આધારિત હશે અને તેમાં 1000 બેડ હશે. આ માટે, અદાણી ગ્રુપે પ્રખ્યાત અમેરિકન માયો ક્લિનિક
સાથે પણ ભાગીદારી કરી છે.