નવી દિલ્હી, તા. 11 : રાષ્ટ્રીય
સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. તેમણે આજે એક કાર્યક્રમ
દરમિયાન પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ જ નુકસાન થયું નથી. બીજીબાજુ ભારતીય દળોએ પાકિસ્તાનમાં
આતંકી ઠેકાણાઓ ઉપર સટીક ચોટ કરી છે. આઈઆઈટી મદ્રાસના એક કાર્યક્રમમાં પહોંચેલા ડોભાલે
કહ્યું હતું કે, આખું ઓપરેશન સિંદૂર પૂરું થવામાં ફક્ત 23 મિનિટ લાગી હતી. તમે મને એક
તસવીર બતાવી દો જે ભારતમાં કોઈ નુકસાન થયું હોવાનું દેખાડે. ન્યૂયોર્ક ટાઈમ્સ ને અન્ય
માધ્યમો લખે છે, પણ તસવીરો દેખાડે છે કે,
10મી મે પહેલાં અને પછી પાકિસ્તાનમાં 13 એરબેઝની હાલત શું હતી ? આ કાર્યવાહીમાં બ્રહ્મોસથી લઈને રડાર સુધી
આપણે સંપૂર્ણપણે સ્વદેશી સામાનનો ઉપયોગ કર્યો હતો, જેનો ગર્વ
છે. પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર સવાલ ઉઠાવવા સાથે ભારતને પણ નુકસાન થયું
હોવાના દાવા કરતા અહેવાલ આપનાર વિદેશી મીડિયાની પણ ડોભાલે ઝાટકણી કાઢી હતી. ઓપરેશન
સિંદૂર પર દરેક ભારતીયને ગૌરવ છે. અમારા દળોના જવાનો તરફથી એક પણ ચૂક નથી થઈ. નુકસાનના
દાવા સાવેય ખોટા અને પોકળ છે. હકીકતમાં ભારતમાં કોઈ ઈમારતનો એક કાંચ પણ તૂટયો નથી.
અમારા જાંબાઝ જવાનોએ નવ આતંકવાદી ઠેકાણા તબાહ કરી નાખ્યા હતા અને સટીક નિશાન સાધ્યાં
હતાં તેવું દેશના સુરક્ષા સલાહકાર ડોભાલે જણાવ્યું હતું.