નવીદિલ્હી, તા.11 : ગુજરાતમાં વડોદરા જિલ્લામાં
મહિસાગર નદી ઉપર ગંભીરા પુલના એક ભાગની જળસમાધીના ગોઝારા અકસ્માત બાદ બચાવ કામગીરી
અને તપાસ ચાલુ છે. દેશમાં વધી રહેલા પુલ તૂટવાની દુર્ઘટનાઓ અને સરકાર તથા તંત્રોની
આલોચનાઓ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું
કે, તેઓ કામમાં ઢીલ વર્તનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની
પાછળ પડી ગયા છે. આ સાથે તેમણે ઉમેર્યુ હતું કે, કોઈ પણ દુર્ભાવનાપૂર્ણ
ભૂલો માટે તો આ લોકોને ઝીંકવા જોઈએ. ગડકરીએ કહ્યું હતું કે, અકસ્માત
અલગ ચીજ છે અને જે કામમાં અનીતિ અને છેતરપિંડી કરે છે તે અલગ બાબત છે. જો ભૂલ ઈરાદાપૂર્વક
ન હોય તો માફી મળી શકે પણ જો કોઈ દુર્ભાવનાથી ચૂક કરવામાં આવે તો તેને તો ઠોકી દેવા
જોઈએ. કામનાં વલણ બાબતે તેમણે કહ્યું હતું કે, કોઈ ગડબડ કરવામાં
આવે, તો તેઓ જવાબદારોને ફટકાર લગાવે છે અને પછી જો રોડ ઉપર કોઈ
ગડબડ થાય તો તેઓ છોડતા નથી. સાત વર્લ્ડ રેકોર્ડ થયા છે અને હવે મારું લક્ષ્ય છે અધિકારીઓ
અને કોન્ટ્રાક્ટરોની પાછળ પડવાનો. આ આપણા દેશની સંપત્તિ છે અને તેમાં હું કોઈ જ સમાધાન
કરીશ નહીં. એક-એક રોડમાં મારા ઘરની દીવાલ છે. જેટલી ચિંતા મને મારા ઘરની હોય એટલી જ
જવાબદારી માર્ગ માટે પણ છે. તેમાં કોઈ જ બાંધછોડ થશે નહીં.