હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 11 : સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો
ધરાવતું ગુજરાત મત્સ્ય ઉત્પદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં મોખરે છે. 350 કિ.મી.થી લાંબો દરિયાકાંઠો
ધરાવતાં કચ્છમાં આ વર્ષે માછલીનું વિક્રમી એવું 50,000 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થયું છે. ગુજરાતના સૌથી મોટા મત્સ્યોદ્યોગ
બંદર તરીકે ઊભરી આવેલાં જખૌમાં આ વર્ષે મત્સ્ય
ઉત્પાદન નોંધપાત્ર રીતે વધવા સાથે વાર્ષિક ટર્નઓવર ગત વર્ષની તુલનાએ અઢીગણું વધી 4000 કરોડના આંકને પાર થયું છે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કેચરીમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગતો અનુસાર વર્ષ
2023-24ના નાણાકીય વર્ષમાં કચ્છમાં
દરિયાઈ માછલીનો 35492 મેટ્રિક ટન
ઉત્પાદન થયું હતું, જે આ નાણાકીય
વર્ષમાં વધીને 50,000 મે.
ટનના આંકને પાર થયું છે. - મત્સ્ય ઉત્પાદનનો
90 ટકા હિસ્સો જખૌનો : કચ્છનું જખૌ બંદર એ ગુજરાતનું સૌથી મોટું
મત્સ્ય બંદર છે. અહીં માછીમારી કરવા માટે સૌરાષ્ટ્રમાંથી પણ માછીમારો આવે છે. ગયા વર્ષે આ બંદરેથી 28,000 મેટ્રિક ટન માછલીનું ઉત્પાદન થયું હતું, જે આ વર્ષે વધીને 40,000 મે. ટનના આંકે પહોંચ્યું હતું. એટલે કે, કચ્છમાં માછલીનું કુલ ઉત્પાદન થયું તેમાં 90 ટકા પ્રદાન જખૌનું છે તેવું
જખૌ માછીમારી બોટ એસો.ના પ્રમુખ અબ્દુલ્લા શા પીરજાદાએ જણાવ્યું હતું - દબાણ હટાવ ઝુંબેશના કારણે ગયાં
વર્ષે ટર્નઓવર ઘટયું : ગયા વર્ષે
જખૌ બંદરે મહાદબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી,
જેના કારણે મત્સ્ય ઉત્પાદન મારફત વાર્ષિક 1500 કરોડ ટર્નઓવર થયું હતું. આ
વર્ષે પણ યુદ્ધની સ્થિતિ સર્જાતાં એક માસ વહેલો માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
જો કે, હાલ આ પ્રતિબંધ ઉઠાવી લેવાતાં બેરોજગાર બનેલા
માછીમારોને રાહત મળી છે. - નવ બંદર પર માછીમારી પ્રવૃત્તિનો ધમધમાટ : કચ્છમાં જખૌ ઉપરાંત કુકડસર,
નવીનાળ, ઝરપરા, ત્રગડી,
મોઢવા, માંડવી, નાના લાયજા,
નારાયણ સરોવર સહિતમાં માછીમારી પ્રવૃત્તિનો ધમધમાટ જોવા મળે છે. જિલ્લામાં 1600થી વધુ યાંત્રિક હોડી નોંધાયેલી છે. ગત વર્ષે 31,000થી વધુની માછીમારોની વસ્તી
નોંધાઈ હતી. મોટાભાગે આઠથી નવ મહિના માછીમારીની
સિઝન જોવા મળે છે.- ફિશરીઝ હાર્બર
સેન્ટરથી વિકાસને વેગ મળશે : ભારત સરકાર દ્વારા કચ્છના જખૌ બંદરે 121 કરોડના ખર્ચે ફિશરીઝ હાર્બર
સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેન્ટર સ્થાપિત થયા બાદ જખૌ બંદરનુ વાર્ષિક
ટર્નઓવર બમણું થવાનો અંદાજ છે. હાલ માછલી પ્રોસેસિંગ માટે વેરાવળ લઈ જવી પડે છે. આ
સેન્ટર સ્થાપિત થતાં પ્રોસેસિંગ સહિતનાં કાર્યો જખૌ બંદરે જ થઈ શકશે.