પંજાબના કિસાન આંદોલનના નેતાઓ કેન્દ્ર સરકાર સાથે સમાધાન કરવા માગતા નથી. સરકારે તમામ ત્રેવીસ કૃષિ ઊપજ-પાક માટે લઘુતમ ટેકાના ભાવ રાબેતા મુજબ જાહેર કર્યા છે, પણ આંદોલનકારી નેતાઓ કાયદેસર જોગવાઈ કરવાની માગણી કરી રહ્યા છે જે સ્વીકારવી શક્ય નથી. બે પગલાં આગળ જઈને સરકારે દાળ-કઠોળના પાંચ પાક માટે આગામી પાંચ વર્ષ સુધી ટેકાના ભાવ આપવાની ઓફર કરી તેનો પણ અસ્વીકાર થયો છે. આંદોલન કરી રહેલાં સંગઠનોમાં પણ મતભેદ છે. જે નેતાઓ સમાધાન કરવા તૈયાર છે એમના ઉપર ડાબેરી-લેફટિસ્ટ નેતાઓનું દબાણ છે. સ્પષ્ટ છે કે આ આંદોલન પાછળ રાજકીય વ્યૂહ છે. લોકસભાની ચૂંટણી માથા ઉપર ગાજી રહી છે ત્યારે જ આંદોલન શરૂ કરીને દેશમાં અશાંતિ હોવાની છાપ વિશ્વમાં ઊભી કરવાનો પ્રયાસ છે. બે વર્ષ પહેલાં કિસાન આંદોલન ઘણું ચાલ્યું અને આખરે મોદી સરકારે ત્રણ કૃષિ સુધારા કાયદા પાછા ખેંચ્યા હતા. મોદી સરકારે ભારતની એકતાનાં હિતમાં આ `પીછેહઠ' કરી હતી, પણ જે નેતાઓ રાજકીય ગણતરીથી આંદોલનની આગેવાની લઈ રહ્યા છે એમણે ફરીથી ચૂંટણી પહેલાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આંદોલન રાજકીય છે તે બાબત બેમત નથી. અયોધ્યામાં રામમંદિર નિર્માણ પછી મોદીની લોકપ્રિયતામાં ધરખમ વધારો થયો છે, તેને ઘટાડવા માટે કૃષિ આંદોલન એકમાત્ર ઉપાય છે એમ જણાવાય છે. નોંધપાત્ર છે કે, એક અને એકમાત્ર અજોડ એવા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, સત્તા મળે તો અમે કિસાનોની માગણીનો તુરંત અમલ કરીશું. પંજાબ અને ઉત્તરપ્રદેશના કેટલાંક સંગઠનો સિવાય અન્ય કોઈપણ રાજ્યના કિસાનોએ આંદોલનને સમર્થન આપ્યું નથી. કિસાન આંદોલનકારીઓ સાથે સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે તે ચિંતાકારક છે. ખેડૂતો સાથે પાંચ પાક અર્થાત્ મકાઈ, કપાસ, તુવેર, મસુર અને અડદની ખરીદી માટે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવાનો હતો. સરકારના આ પ્રસ્તાવ પર ખેડૂત નેતાઓએ વિચારનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ સંયુક્ત કિસાન મોરચાએ ચંડીગઢમાં કેન્દ્રીય પ્રધાનોને નકારી કાઢ્યા છે. સરકાર ઈચ્છે છે કે, ખેડૂતોને પાક વિવિધીકરણ માટે પ્રેરિત કરવામાં આવે, પણ ખેડૂત લઘુતમ ટેકાના ભાવની કાયદાકીય ગેરન્ટીની માંગને વળગી રહ્યા છે. ચંડીગઢમાં ખેડૂત નેતાઓએ ઘોષણા કરી છે કે, ગેરન્ટી સાથે ખરીદવામાં આવનારા બધા પાક માટે કાયદેસર ટેકાના ભાવ વધારવામાં આવે, આ અંગે વટહુકમ બહાર પાડવામાં આવે તો જ આંદોલન પાછું ખેંચવામાં આવશે. ખેડૂતોની માંગ લાંબી અને મોટી છે, જેનો તેઓ વારંવાર પુનરોચ્ચાર કરી રહ્યા છે. અન્ય માંગોમાં લોન માફીની માંગ સામેલ છે. વીજળીનું ખાનગીકરણ નહીં કરવા, વ્યાપક સાર્વજનિક ક્ષેત્રની પાક વીમા યોજના લાવવા, 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને 10,000 રૂપિયાનું માસિક પેન્શન આપવાની પણ માંગ થઈ છે. કેટલીક માંગ ઘણી ગંભીર છે, જે સ્વીકારાય તો દેશમાં અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રો પર પણ અસર પડી શકે છે.