• બુધવાર, 22 જુલાઈ, 2026

રાજ્ય ટીટી સ્પર્ધામાં મેન્સ ક્વોલિફાઈંગ મેચમાં જંગ જામ્યો

ગાંધીધામ, તા. 19 :  ગાંધીધામ ખાતે દીનદયાલ પોર્ટના સહયોગથી આયોજિત  ત્રણ દિવસીય રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો   આજથી આરંભ થયો હતો. આ સાથે રાજકોટના ખેલાડીએ મેદાન માર્યું હતું. આજે કચ્છના ખેલાડીઓનું પણ પ્રદર્શન સારું રહ્યું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે રમાતી ટૂર્નામેન્ટમાં રાજકોટના  અનુભવી ખેલાડી ચિંતન ઓઝાએ વલસાડના મુર્તુઝા રંગવાલા સામે એક પણ ગેમ ગુમાવ્યા વિના મેન્સ કેટેગરીની  ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચ જીતી લીધી હતી. મેન્સ ક્વોલિફાઈંગ રાઉન્ડની ઘણી મેચો એકતરફી બની રહી હતી, કેમ કે, અમદાવાદના હિમાંશ દહિયાએ ભાવનગરના પ્રથમ બચાણીને 12-10, 11-2, 11-4થી  હાર આપી હતી, જ્યારે હેત ઠાકર  (રાજકોટ)એ ભાવનગરના કહાન ગોહેલને સીધી ગેમમાં હરાવ્યો હતો. સુરતના રિયાન શાહે પણ રાજકોટના પવન દેત્રોજાને 3-0થી આસાનીથી હરાવ્યો હતો. અંડર-19 બોયઝ ક્વોલિફાયર્સમાં ભાવનગરના સાગર મકવાણા, ભાવનગરના સૌમ્ય દેસાણી, કચ્છના આરવ સિંઘવી અને સુરતના અનય બચાવતે પણ આગેકૂચ કરી હતી. અંડર - 15 બોયઝ ક્વોલિફાયરમાં પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સુરતના જય મુંદાદા અને નિહાન લિબાંચિયાએ સીધી ગેમમાં જીત મેળવી હતી. અમદાવાદના નક્શ પટેલે વડોદરાના રક્શ મેહુલ સંઘવી સામે આસાન જીત મેળવી હતી, જ્યારે કચ્છના પુન્યા મહેતાએ ભાવનગરના ક્રિષ્ણા જેઠવા સામે વળતો પ્રહાર કરીને 3-1થી મેચ જીતી હતી. મેન્સમાં મોખરાના ક્રમના જયનીલ મહેતા, પ્રથમ માદલાણી, જન્મેજય પટેલ અને નુતાંશુ દયામા હવે મેઇન ડ્રોમાં તેમની મેચો રમશે. અંડર-19 બોયઝ કેટેગરીમાં જન્મેજય પટેલ, વેદ પંચાલ, હિમાંશ દહિયા અને માલવ પંચાલ જેવા મોખરાના ખેલાડીઓ રમી રહ્યા છે, જ્યારે અનય બચાવત, ધ્રુવ ભાંબાણી, રિયાન શાહ અને રાજવીર માધવાણી અંડર-15 બોયઝમાં મોખરાના ચાર ક્રમે છે. આ ટૂર્નામેન્ટના  ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટિગા છે.  વિજેતાઓને  2.90 લાખ રૂપિયાના પુરસ્કાર એનાયત થશે અને વિજેતાઓને અન્ય ગિફ્ટ પણ અપાશે. 

Panchang

dd