• બુધવાર, 22 જુલાઈ, 2026

એક નવો સંકલ્પ, એક નવી સવાર

તંત્રી સ્થાનેથી... દીપક માંકડ : ગૂગલની જેમીનાઇ એપમાં 80 વર્ષ કે 80ના આંકનાં મહત્ત્વ વિશે પૂછ્યું તો જવાબ મળ્યો... 80નો આંકડો પૂર્ણતા, પ્રચુરતા અને કર્મનાં ચક્ર સાથે જોડાયેલો છે. સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. આપણને શીખવે છે કે, ધૈર્ય અને અનુશાસનથી મેળવેલો અનુભવ જ જીવનની અસલી  પૂંજી છે. શરૂઆત `એ.આઇ.'થી કરી એની પાછળ ખાસ પ્રયોજન છે. એક તો આપ સૌ કચ્છીઓનાં હૃદયસિંહાસન પર બિરાજતું કચ્છમિત્ર 20મી જુલાઇએ 80મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને બીજું એ કે, આ નિમિત્તે અત્યારે જેની ચર્ચા અને ચિંતા છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) કૃત્રિમ બુદ્ધિમતાના મુખ્ય વિષયવસ્તુ સાથેની પૂર્તિઓ પ્રસિદ્ધ કરી છે. રોજબરોજનાં જીવન, વ્યવસાય, શિક્ષણ વગેરેમાં કેવોક ફરક વર્તાઇ રહ્યો છે એ વિશેના અભ્યાસપૂર્ણ લેખ-અહેવાલો વાચકોને ગમશે એવી આશા. થોડા દિવસ પહેલાં ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે પોડકાસ્ટનું રેકોર્ડિંગ કર્યું, એ દરમ્યાન કચ્છમિત્ર માટે તેમનો આત્મીય ભાવ અનુભવાયો... કચ્છ કી યહ પત્રિકા સમાજ કે લિયે, કિસાનો કે લિયે કિતના સારા કર રહી હૈ... એ શબ્દો સાથે તેમણે ટીમ કચ્છમિત્રની પીઠ થાબડી... ગુજરાતના શિરમોર રાજપુરુષ હોય કે કચ્છમાં છેવાડે બેઠેલા કોઇ શ્રમજીવી કે નોકરિયાત... કચ્છમિત્રએ એ સૌનો પ્રેમ જીત્યો છે એનું અમને ગૌરવ છે. - પરંપરામાં ડિજિટલ ટ્વીસ્ટ : કચ્છ-બૃહદ કચ્છના લાખો વાચકો સાથે પ્રગાઢ મૈત્રી અને ઋણાનુબંધથી જોડાયેલું કચ્છમિત્ર સ્થાપનાનાં 79 વર્ષ પૂર્ણ કરીને 80મા વર્ષમાં પ્રવેશ કરે એ ઘટના કચ્છ-ગુજરાતના પત્રકારત્વજગત માટે મહત્ત્વની છે. આઠ દાયકાની પ્રલંબ સફરને સિદ્ધ અવસ્થા કહેવાય, પણ કચ્છમિત્ર ચિર યૌવનાવસ્થાની જેમ આજે પણ સમયની સાથે તાલ મિલાવતાં એક પછી એક બદલાવને અપનાવીને ડિજિટલ પ્લેટફોર્મ ઉપરે પોતાની સશક્ત હાજરી નોંધાવી રહ્યું છે. પરંપરાઓમાં ટ્વિસ્ટ આવ્યો, લોકોનો, ખાસ તો યુવાવર્ગનો ટેસ્ટ બદલાયો એ મુજબ કચ્છમિત્ર આજે યુ-ટયુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચલણી નામ તરીકે સ્વીકૃત છે, એ પણ ટૂંકાગાળામાં. એનું કારણ છે વિશ્વસનીયતા. કચ્છમિત્રના વાચકોને `કચ્છમિત્રમાં છપાય તો જ સાચું' એવો દાયકાઓથી દૃઢ વિશ્વાસ છે. સોશિયલ મીડિયામાં પણ `બ્રેકિંગ ન્યૂઝ'ની બિનજરૂરી ઉતાવળને બદલે ભરોસાપાત્ર-સત્ય સમાચારો મુકાવાને લીધે જ ફોલોઅર્સ કે સબક્રાઇબર્સના લાઇક અને કોમેન્ટ જીત્યા છે. - સૌરાષ્ટ્ર ટ્રસ્ટનું અંગ : લોકશિક્ષણ, જનજાગૃતિ અને લોકકલ્યાણનાં ધ્યેયને વરેલા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ ગ્રુપનું કચ્છમિત્ર મજબૂત અંગ છે. અખબારના વિકાસના સ્વપ્નદૃષ્ટા પ્રવીણચંદ્ર ગાંધી અને દામજીભાઇ એન્કરવાલા જેવા અધ્યક્ષોના વિચારો આજે પણ પથદર્શક બની રહ્યા છે ને અત્યારના તરવરિયા સૂત્રધાર મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા અને સૌ ટ્રસ્ટી મંડળનાં માર્ગદર્શનમાં કચ્છમિત્ર ગળાકાપ સ્પર્ધા અને  સોશિયલ મીડિયાના પડકાર વચ્ચે પણ જોમ-જુસ્સાભેર આગળ ધપી રહ્યું છે. રૂઢિગત શૈલીનું કચ્છમિત્ર આજે બદલાવના દોરમાં ગતિભેર અગ્રેસર છે. ગઇ 26મી જાન્યુઆરીએ ગોઝારા ધરતીકંપને 25 વર્ષ થયાં એ નિમિત્તે કચ્છની વિનાશમાંથી બેઠા થવાની બેનમૂન નવસર્જનની તસવીરી ગાથા આવરી લેતી `કોફી ટેબલ બૂક' હોય, ભૂખી નદીને નવસર્જિત કરવાનો ગ્લોબલ કચ્છ-ડીપીએ સાથેનો પ્રકલ્પ હોય, મિયાવાકી વનનો વિસ્તાર, સમાજસેવી સંસ્થાઓ તથા દાતાઓ વચ્ચે સેતુરૂપ બનવાની પારદર્શક કામગીરી હોય, હસ્તકળા મેળો હોય કે બાળકો-યુવા પેઢીને વાચતી કરવાનું, નોલેજ લોકોનાં ઘર સુધી પહોંચાડવાનું ઘર ઘર જ્ઞાન મિશન હોય કચ્છમિત્રએ એક અખબારથી ઉપર ઊઠીને સમાજહિતની ફરજ બજાવી છે. અહીં એ યાદ અપાવીએ કે, સ્મૃતિવન ખાતેના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહીને કચ્છમિત્રના મંચ પરથી ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો ભૂખી નદીના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પના મંગલાચરણ માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ખાસ કચ્છ આવ્યા હતા. - સમયનો જીવંત દસ્તાવેજ : અખબાર એ માત્ર કાગળ અને સ્યાહીનું સંયોજન જ નથી, સમાજની આરસી-સમયનો જીવંત દસ્તાવેજ છે. કચ્છી ભાઇ-બહેનો આજે દેશ-દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા છે. સાત સમંદર પાર વસતા કચ્છીઓ માટે પોતાની માતૃભૂમિની મહેક અને તાજાં સમાચારોનું માધ્યમ કચ્છમિત્ર જ રહ્યું છે. છેલ્લા આઠ દાયકામાં દુનિયા બદલાઇ ગઇ છે. પ્રિન્ટ મીડિયાથી લઇને આજના ડિજિટલ યુગ સુધીની સફરમાં અનેક ફેરફાર અનુભવાયા... છતાં આ બદલાવ વચ્ચે એક ચીજ અટલ રહી છે, એ છે આપણી સત્યનિષ્ઠા અને નિષ્પક્ષતા. આજના `ઇન્ફર્મેશન ઓવરલોડ' અને ફેક ન્યૂઝના યુગમાં વાચકો કચ્છમિત્રમાં છપાતાં સમાચારને અણીશુદ્ધ માને છે એ જ અમારી સૌથી મોટી કમાણી અને પૂંજી છે. - સત્યનિષ્ઠા સચોટ પત્રકારત્વ : કચ્છમિત્ર પ્રાદેશિક હોવા છતાં પૂર્ણ કક્ષાનું રાષ્ટ્રીય અખબાર છે. દેશ-વિદેશમાં બનતી ઘટનાઓ સાથે ગુજરાત અને ખાસ તો કચ્છની મુખ્ય ઘટનાઓ, ઉત્પન્ન થતા પ્રશ્નો, તેના ઉકેલ કચ્છમિત્ર માટે પ્રાધાન્ય ધરાવે છે. સત્યનિષ્ઠ અને સચોટ પત્રકારત્વ અમારી તાસીર છે. કચ્છમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તે માટે ખરાબ રસ્તા, ટ્રાફિકની ગેરવ્યવસ્થા અને સીટબેલ્ટ-હેલ્મેટ ધારણ કરવાના નિયમોની અવગણના સહિતનાં પરિબળો જવાબદાર હોય છે. ઔદ્યોગિક અકસ્માતોએ અનેક જીવન, અનેક પરિવારોને નંદવી રહ્યા છે. એ ઉપરાંત ખનિજચોરી, કરોડોનો પકડાતો શરાબ, ડ્રગ્સ ટ્રાફિકિંગમાં સ્થાનિક કડી હોય કે સંબંધિત તંત્રોની `કાળી ભૂમિકા' કચ્છમિત્રએ તે બેધડક રીતે ઉજાગર કરી છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન જવાબદારીભર્યા પત્રકારત્વ સાથે નાગરિકોને યુદ્ધની રજેરજની વિગતો સાથે સીમાવર્તી ક્ષેત્રના નાગરિકોનો જુસ્સો બુલંદ કર્યો હતો. કચ્છ 360 ડિગ્રી-સર્વાંગી વિકાસના માર્ગે અગ્રેસર છે. મહાકાય ઉદ્યોગો, અપાર મૂડીરોકાણ, બબ્બે મહાબંદર, રેલવે નેટવર્કનો વધતો પથારો, ગ્રીન એનર્જીના ગુણોત્તરમાં વધતી ક્ષમતા... આ બધું જોતાં આવનારાં વર્ષો કચ્છ માટે ગેમ ચેન્જર હશે એવું દૃઢપણે માની શકાય. વિકાસ અને ઉદ્યોગો સાથે કચ્છમાં સુરક્ષાના, પર્યાવરણના પ્રશ્નોએ ઉત્પન્ન થયા છે. આ સંજોગોમાં સીમાવર્તી જિલ્લાના જાગૃત પ્રહરી તરીકે કચ્છમિત્રની જવાબદારી વધી છે. આ તકે સૌ વાચકમિત્રોને ખાતરી આપવા માગીએ છીએ કે, કચ્છહિત-દેશહિત કચ્છમિત્રનાં કેન્દ્રમાં રહ્યું છે અને રહેશે. - ટીમ કચ્છમિત્રની પ્રતિબદ્ધતા : વિશાળ પંથકમાં ફેલાયેલાં કચ્છમાં સમાચારો મેળવવાનું, વિજ્ઞાપનોનો પ્રવાહ જાળવી રાખવાનું અને અખબાર વહેલી સવારે સમયસર જિલ્લાના ખૂણેખૂણે પહોંચાડવાનું પડકારભર્યું કામ મજબૂત નેટવર્ક અને સામૂહિક પ્રયાસો વિના શક્ય ન બને. ટીમ કચ્છમિત્રની સફળતાનું શ્રેય અમારા પત્રકારો, મેનેજમેન્ટ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપરાંત તાલુકા મથકોએ અને ગામેગામ ફેલાયેલા પ્રતિનિધિઓ, માનદ ખબરપત્રીઓ, તસવીરકારો, વિજ્ઞાપન એજન્ટો, વિતરકો અને ઘરે ઘરે કચ્છમિત્ર પહોંચાડતા કર્મવીર સારથિઓને જાય છે. એ સૌનો અને કચ્છ-બૃહદ કચ્છની તમામ બ્યૂરો ઓફિસો સહિત સમસ્ત જન્મભૂમિ ગ્રુપ પરિવારનો આ તકે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. કચ્છમિત્રનું ટીમવર્ક અને સંકલન અદ્ભુત છે. સમાચાર વિભાગ અને વ્યવસ્થા વિભાગ એકદમ તાલમેલ સાથે કામ કરી રહ્યા છે. ગ્રુપ એડિટર અને સીઇઓ કુંદનભાઇ વ્યાસનું માર્ગદર્શન-અનુભવ અમારી પૂંજી છે. કચ્છમિત્રએ આઠ દાયકાની સફરના મહત્ત્વના પડાવો પર વિશેષ પ્રકાશન આપ્યાં છે. તાજેતરનાં વર્ષોમાં વાર્ષિક દિવાળી અંક ઉપરાંત પ્રવાસનની પાંખે કચ્છ, વેલકમ ટુ કચ્છ, કચ્છીયતનું અમૃત અને ધ્રુજારી એક નવી શરૂઆતે જુદી ભાત પાડી છે. આ વખતે આઠ દાયકા નિમિત્તે વાચકોને કશુંક વિશેષ આપવાની તૈયારી ચાલી રહી છે. ગ્લોબલ વોર્મિંગ-અલ નીનોના દુષ્પ્રભાવ હેઠળ વરસાદ ખેંચાઇ જતાં કચ્છમાં ચિંતાનાં વાદળ ઘેરાયાં છે. ઇરાન યુદ્ધ, હોર્મુઝ કટોકટીને લીધે અર્થતંત્ર-ધંધા-રોજગાર પ્રભાવિત છે. મોંઘવારી બેમર્યાદ વધી છે એ જોતાં આવનારો સમય પડકારભર્યો રહેશે. સારું ચોમાસું બધા પ્રશ્નો હલ કરી દેતું હોય છે, પણ વરસાદ સાવ ન પડવો એ જ ખાટલે મોટી ખોટ છે. ઇશ્વરને પ્રાર્થના કરીએ કે અષાઢ અને બાકીના સમયમાં મેઘરાજા મહેરબાન બને અને કચ્છીઓની તરસ શાંત થાય. 80 વર્ષ એ ટીમ કચ્છમિત્ર માટે નવી ઊર્જા સાથે આગળ વધવાનો અવસર છે. આજના દિવસે સૌ વાચકોને એટલું જ કહેવું છે કે, કચ્છમિત્ર તમારું છે અને રહેશે. આપ સૌ વાચકોએ નંબર વન બનાવી રાખ્યું છે. કચ્છમિત્રનો જન્મદિવસ કચ્છ માટે ઉત્સવ બની રહે છે જે ઋણાનુબંધ વિના શક્ય બનતું નથી. કચ્છની અસ્મિતાના ઓવારણાં લેવા સાથે વાચક રાજાના સ્નેહાદરનો ધન્યવાદ સ્વીકાર કરીએ છીએ. કચ્છમિત્રની વર્ષગાંઠના અવસરે સૌને મંગળ અભિનંદન. 

Panchang

dd