ભુજ, તા. 21 : અહીં પાંચ દાયકા સુધી જનસેવાને
સમર્પિત તબીબ ડો. વી.એચ. પટેલની નવમી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો કરી સ્મરણાંજલિ
અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે આર્યસમાજ હોલ ખાતે વડીલોના આરોગ્ય અને સુખાકારીને કેન્દ્રમાં
રાખી નિ:શુલ્ક આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં100થી વધુ વડીલોએ ભાગ લઈ આરોગ્ય
અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન
વડીલોમાં સામાન્ય જોવા મળતી બીમારીઓ અને મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
હતું. સાથે જ સરળ અને ઉપયોગી ઉપાયો, આરોગ્યલક્ષી કસરતોનું પ્રદર્શન તેમજ આરોગ્યવર્ધક રમતોનું આયોજન કરવામાં આવ્યું
હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા
માટે પ્રેરણા મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વર્ષા પટેલ (અષ્ટાંગયોગ) દ્વારા
કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતો તરફથી હોસ્પિટલના જરૂરતમંદ દર્દીઓને મદદરૂપ
થવા દાન અપાયું હતું. ઉપરાંત ભુજ નગરપાલિકા,
સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ તથા ડો. વી.
એચ. પટેલ પરિવારના સંયુકત ઉપક્રમે લાલ ટેકરી પાસે આવેલી સ્વ. ડો. વી.એચ. પટેલની પ્રતિમા
ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શીતલભાઇ શાહ, કારોબારી ચેરમેન કમલભાઇ
ગઢવી, સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્રભાઇ સ્વાદિયા, શ્રી પટેલના પરિવારજનોમાં ભાનુબેન
પટેલ, જયદીપભાઇ પટેલ, અમિતભાઇ પટેલ,
વર્ષાબેન પટેલ, કિરણબેન પટેલ, રિસ્વા પટેલ, યજુષી, ડો. આર્ય તથા
પટેલ હોસ્પિટલના ડો. સોનાલી, દિવ્યસિંહ ઝાલા, ખેતજી સોઢા, દિવ્યરાજસિંહ, સિદ્ધિ
તારવાણી, આર્યસમાજના ડો. યોગેશ વેલાણી, ડો. પ્રદીપ વેલાણી, નારણભાઇ લીંબાણી, નરેન્દ્રભાઇ ઠક્કર, અશોકભાઇ દડગા સહિત આગેવાનો અને નાગરિકો
ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સંસ્થા દ્વારા બાળકોને અલ્પાહાર તથા નોટબુકનું વિતરણ કરવામાં
આવ્યું હતું. ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. સેવાકાર્યો માટે શ્રી
પટેલ પરિવારનો સહયોગ સાંપડયો હતો.