ગંગટોક, તા. 21 : સિક્કિમના નામચી જિલ્લામાં
ગઇકાલે ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન ટનલનો એન્ટ્રી ગેટ બંધ થઇ જતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં હતાં. ઓછામાં
ઓછા 17 કામદાર હજુ પણ ટનલમાં ફસાયા
હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. ટનલમાં મિથેન ગેસના ગળતરની પણ આશંકા વ્યક્ત
કરવામાં આવી રહી છે. અનેક બચાવકર્મીઓ ટનલમાં જતી વખતે બેભાન થતાં રાહતકાર્ય પ્રભાવિત
થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના
અંગે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી
હતી. વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂા. અને ઇજાગ્રસ્તોને 50-50 હજારનાં વળતરની ઘોષણા કરી હતી.
મુખ્યમંત્રીએ પણ મૃતકના પરિવારજનોને રૂા. 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજારનાં વળતરની જાહેરાત કરી હતી. દુર્ઘટનામાં ફસાયેલા અન્ય લોકોને
બચાવવા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ નામચી
જિલ્લાતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સિક્કિમના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું
કે, સમરડુંગના ઝોલુંગે ખાતે આવેલા એનએચપીસી તીસ્તા
સ્ટેજ સિકસ હાઇડ્રોઇલેકટ્રીક પ્રોજેકટની ટનલ ભૂસ્ખલનના કારણે ધરાશાયી થઇ હતી. સોમવારે
જ્યારે `અદિત-3' ટનલ અચાનક ધસી પડી તે સમયે પ્રોજેકટના અધિકારીઓ અને કામદારો
સહિત પચીસથી વધુ જણ અંદર ફસાઇ ગયા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ઘટનાની વિગતો મેળવી હતી અને બચાવ-રાહતકાર્ય
અંગે પૂછપરછ કરી હતી. નામચી પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવાર સુધીમાં 10 મૃતદેહ બહાર કઢાયા હતા જેમાં
ઓળખાયેલા સાત મૃતકમાંથી ચાર પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના, આસામ, પંજાબ, ઉત્તરાખંડ અને સ્થાનિકના 1-1 કામદારનો સમાવેશ થાય છે. ત્રણ મૃતકની ઓળખ થવી બાકી હતી. જિલ્લા
કલેકટર તમલિંગે જણાવ્યું હતું કે, બપોરે
આ ઘટનાની જાણ થતાં એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સુરંગમાં
પટેલ એન્જિનીયરિંગના 21 અને એનએચપીસીના
છ સહિત કુલ 27 મજદૂર હજુ પણ ફસાયા હોવાની
આશંકા છે.