નવી દિલ્હી, તા. 21 : અમેરિકા અને
ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ જળમાર્ગ ફરીથી બંધ થવાના કારણે દુનિયા પહેલેથી જ
મોટા ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આ દરમિયાન ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના સંગઠન
અંસાર અલ્લાહે સાઉદી અરેબિયાને નિશાન બનાવતા હવે બાબ-અલ-મંદેબ પાડીને નાકાબંધીની જાહેરાત
કરી છે. જેનાં હિસાબે ફરીથી પેટ્રોલ અને ગેસનાં ભાવ સળગવાની ભીતિ પેદા થઈ ગઈ છે. હુથી
વિદ્રોહીઓએ અરબી ક્ષેત્રની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. હુથીઓનું કહેવું છે કે
તાજેતરમાં સના એરપોર્ટ પર સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ હુમલો કરવામાં આવ્યો હતો અને
તેના વિરોધમાં આ પગલું લેવામાં આવ્યું છે.
લાલ સમુદ્રનો બાબ-અલ-મંદેબ જળમાર્ગ હોર્મુઝ પછી ઈંધણ પુરવઠા માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ
માર્ગ છે. જો આ માર્ગ પણ અવરોધિત થાય છે તો સમગ્ર દુનિયામાં ભારે માઠી અસર જોવા મળી
શકે છે. નાકાબંધીની જાહેરાત પહેલાં હુથીઓએ સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર ડ્રોન હુમલો
કર્યો હતો. હુથીઓએ ધમકી આપતા કહ્યું હતું કે, આંખના બદલામાં આંખની નીતિ મુજબ આ જવાબ આપવામાં આવ્યો છે. ઈરાન સાથેના તણાવને
કારણે સાઉદી અરેબિયા પોતાના મોટાભાગના ઈંધણની નિકાસ લાલ સમુદ્ર મારફતે કરવા લાગ્યું
છે. સાઉદી અરેબિયાની કંપની અરામકો તેના લગભગ 70 ટકા તેલની નિકાસ 746 માઈલ લાંબી ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન
મારફતે કરે છે. આ પાઇપલાઇનની મદદથી સાઉદી અરેબિયાના તેલને ખાડી વિસ્તારમાંથી પસાર થયા
વિના આંતરરાષ્ટ્રીય બજારો માટે ટેન્કરોમાં ભરવાની સુવિધા મળે છે. પાઇપલાઇન દ્વારા તેલને
લાલ સમુદ્ર સુધી પહોંચાડવામાં આવે છે. આ કારણસર લાલ સમુદ્રનો માર્ગ સાઉદી અરેબિયા માટે
ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.