• બુધવાર, 22 જુલાઈ, 2026

ગાંધીધામમાં ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ 20 લાખ પડાવી લેવાયા

ગાંધીધામ, તા. 21 : શહેરમાં આજે બપોરે ચકચારી બનાવ સામે આવ્યો છે, કન્ટેનર ટ્રાન્સપોર્ટના વેપારીનું અપહરણ કરી એક મકાનમાં તેમને બંધક બનાવી ગળાં પર છરી રાખી રૂા. 20 લાખ બળજબરીપૂર્વક કઢાવી લેવાનો બનાવ પોલીસના ચોપડે ચડયો છે. વરસામેડીની સોસાયટીમાં રહેતા અને ગાંધીધામમાં આસોપાલવ આર્કેડમાં ઓફિસ ધરાવતા ફરિયાદી દિલીપ ગોકળદાસ મજેઠિયા (ઠક્કર) આજે સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળી ઓફિસે આવ્યા હતા. પાર્કિંગમાં ગાડી રાખી ઓફિસ તરફ જતા ત્યાં કોમ્પ્લેક્સ નીચે સફેદ રંગની સ્વીફ્ટ ડિઝાયર ઊભી હતી, જે કારમાં જાવેદ નામનો શખ્સ બેઠો હતો. ફરિયાદી તેને દોઢેક વર્ષ અગાઉ મળ્યા હોવાથી ઓળખે છે. આ જાવેદે ફરિયાદીને પોતાની પાસે બોલાવ્યા હતા અને તમને હર્ષ સહદાદપુરી પાસેથી રૂપિયા લેવાના છે અને મારે પણ લેવાના છે. તમે આવો આપણે હર્ષને મળતા આવીએ તેમ કહી ફરિયાદીને પોતાની કારમાં બેસાડયા હતા અને કાર ટાગોર રોડ પર આવતાં બીજા બે શખ્સ આ કારમાં સવાર થયા હતા. આ ત્રણેય શખ્સ ફરિયાદીને શક્તિનગરના એક મકાનમાં લઇ ગયા હતા, જ્યાં ફરિયાદી વેપારીએ હર્ષ ક્યાં છે તેવું પૂછતાં આ શખ્સોએ તેમને પકડીને બાંધી નાખ્યા હતા અને ધોકા વડે માર માર્યો હતો અને જાવેદે ફરિયાદીના ગળાં પર છરી રાખી રૂપિયાની માંગ કરી હતી. નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 20 લાખની માંગ કરી હતી. જીવનું જોખમ અને ડરી ગયેલા ફરિયાદીએ રૂપિયા આપવાની હા પાડતાં શખ્સે સોહિલનું નામ આપી તેના મોબાઇલ નંબર આપ્યા હતા અને આંગડિયા મારફતે પૈસા મોકલવાનું કહ્યું હતું. વેપારીએ પી.એમ. આંગડિયાના કલ્પેશ હાલાણીને ફોન કરી સોહિલને 20 લાખ આપી દેવા કહ્યું હતું. બાદમાં ત્રણ પૈકી એક શખ્સ મકાનમાંથી બહાર નીકળી ગયો હતો અને બાકીના બે શખ્સે વેપારીને ઓસ્લો સર્કલ ખાતે ઉતારી અત્યારે જવા દઉં છું, બનાવ બાબતે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચકચારી બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં દોડધામ થઇ પડી હતી અને સીસીટીવી ફુટેજ તપાસવા આરોપીઓને પકડી પાડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Panchang

dd