ભુજ, તા. 21 : ગઇકાલે રાતે શહેરમાં પોલીસ
દ્વારા ખાસ કોમ્બિંગ ઝુંબેશ આદરી અસામાજિક તત્ત્વોનાં ઘરની તલાશી લેતાં શેખ ફળિયામાં
બે શખ્સ પાસેથી અનેક ઘાતક હથિયારો મળી આવ્યાં હતાં. આ અંગે એલસીબીના પી.આઇ. અશોક મકવાણાએ
મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનનાં પગલે ગઇકાલે રાતે એલસીબી,
એસઓજી અને બી-ડિવિઝનની પોલીસે સંયુકત રીતે અલગ-અલગ ટીમો બનાવીને ખાસ
કોમ્બિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાત
જેટલા અસામાજિક તત્ત્વોનાં ઘર પર જઇ પૂછતાછ સાથે છાનબીન આદરી હતી, જેમાં શેખ ફળિયામાં રહેતા અલીશા કરીમશા શેખ પાસેથી 21 છરી, ચાર કોઇતા, બે લોખંડના
પાઇપ, બે લાકડાંના ધોકા અને એક તલવાર તથા એક ધારિયું મળ્યા હતા,
જ્યારે રમજાનશા ઉર્ફે રમજુ કાસમશા શેખ પાસેથી એક છરી, એક કુહાડી અને એક ધારિયું કબજે કરવામાં આવ્યા હતા. બંને વિરુદ્ધ હથિયારબંધીના
જાહેરનામાં ભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. અલીશા ઉપર
છેતરપિંડી અને શરીર સંબંધી તથા રમજાનશા ઉર્ફે રમજુ વિરુદ્ધ પણ સોનાં સંબંધી ઠગાઇ સહિતના
ગુના અગાઉ નોંધાઇ ચૂક્યા છે.