• બુધવાર, 22 જુલાઈ, 2026

એસીબીના ડીઆઈજી સાથે 70.25 લાખની ઠગાઈ

અમદાવાદ, તા.21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરોના અધિક નિયામક તરીકે ફરજ બજાવતા સીનિયર આઈપીએસ સાથે એક બિલ્ડર દંપતી સામે રૂ.70.25 લાખની ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.  પોલીસ ફરિયાદ મુજબ આરોપી અમિત નટવરલાલ જાની અને તેની પત્ની જીજ્ઞાશાબેન અમિતભાઈ જાનીએ વર્ષ 2014થી ફરિયાદી સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો કેળવીને વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત બેલ્વેડરનો ફ્લેટ વેચાણ દસ્તાવેજથી અપાવવાના બહાને 2014થી 2019 દરમિયાન રૂ. 61.15 લાખ એડવાન્સ મેળવી લીધા હતા.સંપૂર્ણ રકમ વસૂલી લીધી હોવા છતાં આજદિન સુધી ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો. અગાઉ કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા એસીબીના એડિશનલ ડીઆઈજી પ્રવિણસિંહ એલ મલ પાસેથી રૂ. 70 લાખથી વધુ ઓળવી લેવાયા હતા. આરોપી બિલ્ડર દંપતીએ વર્ષ 2020થી 2024 દરમિયાન ગ્રીનવુડ સ્કીમના બે પ્લોટ બતાવીને ફરિયાદી પાસેથી નાણાં પડાવી લીધા હતા. સમય જતાં પ્લોટ પણ ન આપતાં અને લીધેલી રકમ પણ પરત ન કરતાં ફરિયાદીને પોતાની સાથે છેતરાપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ફરિયાદીએ પોતાની લાલ ડાયરીમાં કોડવર્ડમાં કરાયેલી ચુકવણીની નોંધ સહિતના દસ્તાવેજી પુરાવાઓનો પણ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. દંપતીએ યોજનાપૂર્વક ફરિયાદી સાથે કુલ મસમોટી રકમની ઠગાઈ આચરી હતી. ફરિયાદમાં એટ્રોસિટી અંગેનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ફરિયાદી એસટી સમાજના હોવાની જાણ હોવા છતાં આરોપીઓ દ્વારા તેમની પત્ની અને દીકરી સામે જાતિવાચક અપમાનજનક ટિપ્પણીઓ કરાઈ હતી અને અશોભનીય શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. આથી બંને આરોપીઓ સામે ઠગાઈ,કાવતરું અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે સાક્ષીઓ અને દસ્તાવેજો ચકાસી આગળની તપાસ હાથ ધરી છે.2006ની બેચના આઈપીએસ પ્રવિણસિંહ મલ અમદાવાદ દરિયાકાંઠા સુરક્ષાના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રહ્યા છે અને કોસ્ટલ સિક્યોરિટી, ગાંધીનગરના ડીઆઈજીનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેઓ અમદાવાદ અને સુરત તથા કચ્છમાં પણ વિવિધ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે.  

Panchang

dd