નવી દિલ્હી, તા. 21 : નીટ પેપર
લીકને લઈને ચાલતી લડાઈ આજે નાટકીય રીતે દિલ્હીમાં વડાપ્રધાન આવાસ સુધી પહોંચી ગઈ હતી.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના
કોંગ્રેસના અનેક નેતાઓ આજે અચાનક જ લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા હતા અને પીએમ આવાસ બહાર
ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સમાજવાદી
પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ આ પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા હતા. સરકારે વિપક્ષોને
સમજાવટ માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહને મોકલ્યા હતા, પણ
રાહુલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં બાદ જ સંસદમાં ચર્ચાની માંગ કરતાં
વાટાઘાટ સફળ રહી નહોતી અને અંતે પોલીસે રાહુલ, પ્રિયંકા અને અખિલેશ
સહિતના નેતાઓની અટકાયત કરી હતી અને પીએમ આવાસ પાસેથી ભીડને હટાવવામાં આવી હતી. મોડેથી
આ નેતાઓને મુક્ત કરાયા હતા. સરકારે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના
નિવાસ બહાર દેખાવ કરવા બહુ ખરાબ પરંપરા છે અને તે સુરક્ષા સાથે ચેડાં સમાન છે. જિતેન્દ્રસિંહે
કહ્યું હતું કે, રાહુલે અગાઉ માત્ર સંસદમાં ચર્ચાની માંગ કરી
હતી, પણ પછી ફેરવી તોળ્યું અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
કરી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, `તમે ધરપકડ કરો, જેલમાં નાખો, કોઈ ફરક પડતો નથી. આપણા સત્યાગ્રહની શક્તિ
મોદી સરકારની શક્તિ કરતાં વધારે છે. આપણાં બાળકો પર થયેલા અત્યાચાર માટે તેમને જવાબદાર
ઠેરવવા જોઈએ.' ભાજપ પ્રમુખ નીતિન નબીને રાહુલ પર પ્રહારો કરતાં
કહ્યું હતું કે, આજની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ ગાંધીએ પીએમ
આવાસ બહાર અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો. વિપક્ષી નેતાનું વલણ અપરિપક્વ છે. પોલીસ
રાહુલ અને પ્રિયંકાને અટકાયતમાં લઈ મંદિર માર્ગ પોલીસ મથક લાવી હતી. સોનિયા ગાંધી પણ
ત્યાં પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ સાત લોકકલ્યાણ માર્ગ પાસે ધરણા કર્યા હતા,
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રાજીનામાંની માંગ કરવામાં આવી હતી.
નેતાઓએ ઐ`વડાપ્રધાન
રાજીનામું આપો,' `ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં,' અને `િવદ્યાર્થીઓને ન્યાય આપો' જેવાં સૂત્રો પોકાર્યાં હતાં. વિરોધ પ્રદર્શન
શરૂ થયાના થોડા સમય પછી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી,
અખિલેશ યાદવ સહિત અન્ય ઘણા નેતાઓની અટકાયત કરી હતી. અગાઉ, લોકસભા સભ્યો ચરણજિતાસિંહ ચન્ની, સુખાજિંદરાસિંહ રંધાવા,
શશિકાંત સેંથિલ અને અન્ય નેતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન
દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીનો પ્રતીકાત્મક વિરોધ કરવા
માટે પ્લાસ્ટિક પટ્ટીની હથકડી પહેરી હતી. અગાઉ, વડાપ્રધાન કાર્યાલયમાં
રાજ્યમંત્રી જિતેન્દ્રાસિંહ અને ગૃહ સચિવ ગાવિંદ મોહન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહુલ
ગાંધીને વિરોધ સમાપ્ત કરવા વિનંતી કરી હતી. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને ન્યાય મેળવવામાં
રસ ધરાવતા લોકોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે,
વિદ્યાર્થીઓ પર હુમલો દરેક ભારતીય પરિવાર પર હુમલો છે અને સરકારે આ બાબતની
જવાબદારી લેવી જોઈએ, ન તો આ ઘટના માટે જવાબદારી લેવા માગે છે
અને ન તો સંસદમાં તેના પર ચર્ચા થવા દેવી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વિપક્ષ ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા કરવા માગે છે, પરંતુ
તેમને બોલવાની મંજૂરી નથી આપવામાં આવી રહી. વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ
કરતાં તેમણે શિક્ષણ પ્રધાનનાં રાજીનામાંની માંગ કરી. - અણધાર્યું...ગણતરીપૂર્વક
: આજે વડાપ્રધાન નિવાસ બહાર રાહુલ ગાંધીનું
વિરોધ પ્રદર્શન અચાનક ગોઠવાયું, પણ ચાલાકીપૂર્વક
સાંસદોને મલ્લિકાર્જુન ખડગેના જન્મદિવસ માટે તેઓના નિવાસસ્થાને ભેગા થવાનું કહેવામાં
આવ્યું હતું. લગભગ કોંગ્રેસના 25 સાંસદને વાસ્તવિક યોજનાની જાણ નહોતી. ઉજવણી પછી તેમને રાહુલ
ગાંધીના કાફલાને અનુસરવાનું કહેવામાં આવ્યું હતું. કાફલો 7, લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યો, જ્યાં ધરણાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ દ્વારા ઘડવામાં
આવી હતી. ગુપ્તતાનો હેતુ પોલીસ કે સરકારને કોઇ પણ આગોતરી જાણ નહીં થાય એ હતો. - ગણતરી જોખમી હતી... : સૂત્રોના જણાવ્યા અનુસાર ધરણાને પ્રચાર
માધ્યમોમાં અગત્યતા મળ્યા પછી રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં લોકોને પીએમ નિવાસ વિસ્તારમાં
એકત્ર થવા આહ્વાન કર્યાનું કહેવાયું અને આ ઇશારો સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હતો.. હજારોની
ભીડ એકત્ર થાય તો નેપાળ-શ્રીલંકા જેવું કંઇક બને એવી કોંગ્રેસ નેતાઓના મનમાં ક્યાંક
ગણતરી હતી ?