ભુજ, તા. 21 : અંજાર-ભુજ ધોરીમાર્ગે નિંગાળ
ફાટક પાસે ગઇકાલે રાતે બેરિકેડ-ડિવાઇડર સાથે બાઇક અથડાઇ સ્લીપ થતાં ચાલક એવા માધાપરના
18 વર્ષીય યુવક કલ્પેશ વાલજીભાઇ
જોગીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સાથેના બે યુવક મિત્ર ઘાયલ થયા હતા.
રતનાલ પાસેનો આ માર્ગ ફરી રક્તરંજિત બન્યો હતો. અણઘડ બેરિકેડ થકી અકસ્માત સર્જાયાનું
લોકો જણાવી રહ્યા છે. રતનાલ નજીક રબારી હોટેલ પાસેના નિંગાળ ફાટક ખાતે તા. 20/7ના 11.50 વાગ્યે સર્જાયેલા આ અકસ્માત
અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો તથા સંબંધીઓ પાસેથી મળેલી
માહિતી મુજબ ભુજ સમીપેના માધાપરના જોગીવાસમાં રહેતો કલ્પેશ તેનો મિત્ર અશ્વિન લાલજી જોગી (માધાપર) તથા
પવન મેહુલભાઇ બાવાજી (સાપેડા) બાઇક નં. જી.જે. 12 ઇ.એમ.-8580વાળીમાં પાછળ
બેસાડી બનાવવાળાં સ્થળેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે બેરિકેડ-ડિવાઇડર સાથે બાઇક ભટકાતાં સ્લીપ થઇ હતી અને ત્રણે પટકાઇ ઘસડાયા
હતા. કલ્પેશનું બનાવ સ્થળે જ ગંભીર ઇજાનાં પગલે મોત થયાનું આંખે જોનારાઓએ જણાવ્યું
હતું. ઘાયલ યુવકોને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં કલ્પેશને
ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા, જ્યારે પવનને માથાંમાં ઇજાનાં
પગલે સારવાર હેઠળ રખાયા છે, જ્યારે અશ્વિનને મૂઢમાર ઇજા થઇ હોવાથી
તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ હોવાની વિગતો મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે માસ પહેલાં આ જ સ્થળે જીવલેણ અકસ્માત સર્જાતાં ગ્રામજનો દ્વારા થયેલા હોબાળાનાં
પગલે બેરિકેડ લગાવાયા હતા. બેરિકેડની જગ્યાએ પથ્થરો રાખી, થાંભલા
ગોઠવી દેવાયા હતા, જેમાં કોઇ જાતનું રેડિયમ ન હતું. અણઘડ બેરિકેડ
થકી અકસ્માતની ભીતિ અંગેના સમાચાર કચ્છમિત્રના ડિજિટલ પ્લેટફોર્મ પર સોમવારની રાતે
10 વાગ્યે વહેતા કર્યા હતા અને
બે કલાકમાં જ આ ભીતિ સાચી ઠરી હોય તેમ આ અકસ્માત સર્જાયો હતો.