નવી દિલ્હી, તા. 19 : ભારતીય મિશ્ર
માર્શલ આર્ટ્સ (એમએમએ) સ્ટાર સંગ્રામ સિંહે રવિવારે પાકિસ્તાનના મોહમ્મદ આબિદ અલીને
માત્ર 1 મિનિટ 20 સેકન્ડ (80 સેકન્ડ)માં
પછાડીને પ્રતિષ્ઠિત સ્ટ્રાઈક એશિયા ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારત અને
પાકિસ્તાન વચ્ચેની આ બહુપ્રતિક્ષિત મેચ મુશ્કેલ હોવાની અપેક્ષા હતી, પરંતુ સંગ્રામે પહેલા રાઉન્ડમાં જ મેચનો અંત
લાવી દીધો હતો. સંગ્રામ સિંહે શરૂઆતથી જ મુકાબલામાં સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું.
શક્તિશાળી તાકાત, સચોટ મુક્કા અને ઉત્તમ ટેકનિકનું પ્રદર્શન કરીને
તેણે પાકિસ્તાની ફાઈટરને સ્વસ્થ થવાની કોઈ તક આપી નહીં. અંતે, તેણે મુકાબલામાં માત્ર 80 સેકન્ડમાં નોકઆઉટથી જીત મેળવી અને એશિયન ચેમ્પિયન બનવાનું ગૌરવ
મેળવ્યું હતું. ખિતાબ જીત્યા પછી સંગ્રામ સિંહે પોતાનો વિજય પોતાના દેશવાસીઓને સપર્તિત
કર્યો હતો.