ટોક્યો, તા. 19 : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી
પી.વી. સિંધુએ રવિવારે બે વર્ષનો `િખતાબી દુકાળ' ખતમ કરતાં જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન સ્પર્ધા જીતીને ઈતિહાસ રચી દીધો હતો. 31 વર્ષીય સિંધુ આ ટૂર્નામેન્ટ
જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. ભારતને ઓલિમ્પિકના બે ચંદ્રક અપાવનાર `ખેલરત્ન'
સિંધુએ શાનદાર પ્રદર્શન કરતાં આજે જાપાનની અકાને યામાગુચીને 21-17, 21-17થી હાર આપી હતી. 50 મિનિટ સુધી ચાલેલા મુકાબલાના
અંતે સિંધુએ જાપાની ખેલાડીને હરાવી પોતાની કારકિર્દીનો પ્રથમ સુપર-750 ખિતાબ રવિવારે જીત્યો હતો.
સિંધુ 2022માં સિંગાપુર ઓપન સુપર-500 સ્પર્ધામાં વિજેતા બની હતી, તો 2024માં સૈયદ મોદી ઈન્ટરનેશનલ સ્પર્ધા જીતી હતી. 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા
બાદ આજે સિંધુએ તેનો સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો. સિંધુ ચાર વર્ષ બાદ
જાપાનની યામાગુચીને કોઈ ફુલ મેચમાં હરાવી શકી છે. તેની છેલ્લી જીત થાઈલેન્ડ ઓપન 2022માં મળી હતી. વીતેલાં વર્ષે
મલેશિયા ઓપનમાં અકાને યામાગુચી રિટાયર્ડ હર્ટ થઈ ગઈ હતી. માત્ર 50 મિનિટમાં મેદાન મારી લેનાર સિંધુએ શરૂઆતથી જ જાપાની ખેલાડી યામાગુચી
પર દબાણ લાવીને મુકાબલો પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો. સિંધુના દમદાર સ્મેશમાં નેટ
ગેમ આજના મુકાબલામાં નિર્ણાયક સાબિત બન્યા હતા. સિંધુ અને યામાગુચી વચ્ચે આજે 30મો મુકાબલો હતો, જેમાંથી કુલ 16 મુકાબલા ભારતીય સ્ટાર જીતી
ચૂકી છે.