• ગુરુવાર, 14 મે, 2026

આંતર જિલ્લા ટી-20 ટૂર્ના.ની સેમિફાઈનલમાં ગીર સોમનાથ સામે કેસીએ-ભુજનો 41 રનથી વિજય

ભુજ, તા. 13 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત આંતર જિલ્લા ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની પોરબંદર ખાતે રમાયેલી સેમિફાઈનલ મેચમાં કેસીએ-ભુજ ટીમનો ગીર સોમનાથ ટીમ સામે 41 રનથી શાનદાર વિજય થયો હતો. આ વર્ષે જય હિન્દ ટ્રોફી બાદ આંતર જિલ્લા ટી-20 ટૂર્નામેન્ટની પણ સેમિફાઈનલ મેચ જીતીને કેસીએ-ભુજ ટીમ ટોપ 2 ટીમમાં સામેલ થતાં આગામી વર્ષ માટે ઈલાઈટ ગ્રુપ માટે ક્વોલિફાય થઈ હતી. ટોસ જીતીને ગીર સોમનાથ ટીમએ કેસીએ-ભુજ ટીમને પ્રથમ બાટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. કેસીએની શરૂઆત ખરાબ રહી હતી અને તેના બંને ઓપનર બેટ્સમેન માત્ર 15 રનનો સ્કોર કરી આઉટ થયા હતા, પરંતુ ત્યારબાદ બાટિંગમાં આવેલા ધ્રુવ ગોસ્વામી અને હિરેન કેરાઈ વચ્ચે માત્ર 12 ઓવરમાં ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી. હિરેન કેરાઈએ જોરદાર બાટિંગ કરતાં 39 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52રન કર્યા હતા. એક છેડેથી જામી ગયેલા ધ્રુવ ગોસ્વામી (અણનમ)એ મેદાનની ચારે બાજુ શોટ્સ રમીને 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી માત્ર 52 દડામાં 112 રન કર્યા હતા. આમ, કેસીએ-ભુજ ટીમનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 202 રન થયો હતો. બીજી ઇનિંગ્સમાં જીતના ઈરાદે ઊતરેલી ગીર સોમનાથ ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 161 રન સુધી સીમિત રહેતાં કેસીએ-ભુજ ટીમની 41 રનથી શાનદાર જીત થઈ હતી. ગીર સોમનાથ વતી મકાસણા મંગલદીપે 51 રન કર્યા હતા. કેસીએ-ભુજ વતી જયદીપ જોશીને 2 વિકેટ, તેમજ ધ્રુવમ પટેલ, રાજેન્દ્રાસિંહ સોઢા, માહેશ્વરી સાવન, વિશાલ જોગીને 1 - 1 વિકેટ મળી હતી.  આ વિજય બદલ સમગ્ર ટીમને કચ્છ ક્રિકેટ એસોશિયેશનના હોદ્દેદારો તેમજ સિલેક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. કેસીએ-ભુજ સિનિયર ટીમમાં ટીમ મેનેજર તરીકે અમિતભાઈ રાઠોડ અને કોચ તરીકે મહેશભાઈ પંડ્યાએ સેવા આપી હતી. 

Panchang

dd