• ગુરુવાર, 14 મે, 2026

ચેક પરતના કેસમાં ફાયનાન્સ કંપનીના અધિકારીને એક વર્ષની કેદ

ભુજ, તા. 13 : ચેક પરત ફરવાના કેસમાં ફાયનાન્સ કંપની બેન્કના અધિકારી ઉત્તમકુમાર કેશવલાલ સોલગામાને એક વર્ષની કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો છે.  આ કેસની વિગતો મુજબ ફરિયાદી ખેડૂત એવા રણછોડ ગોપાલ ઢીલાને લોનની જરૂરિયાત થતાં બેન્ક અધિકારી ઉત્તમકુમાર કેશવલાલ સોલગામાનો સંપર્ક કરતાં ફરિયાદીની ડગાળાની ખેતી જમીન પર લોન કરાવી આપવાનું જણાવ્યું હતું, પરંતુ જમીન ઉપર રૂા. 5.30 લાખની લોન અગાઉથી ચાલુ હોવાથી આ લોન ભરવી પડશે, બાદમાં તેના ઉપર લોન થશે તેવું જણાવતાં ફરિયાદીએ રૂા. 1.10 લાખનો ચેક તથા રૂા. 4,20,000 રોકડા બેન્કમાંથી ઉપાડી ઉત્તમકુમારને લોન ભરવા આપ્યા, પરંતુ ઉત્તમકુમારે તે નાણાં પોતાના અંગત વ્યવહારો પૂરા કરવામાં વાપરી નાખ્યા હતા. ફરિયાદીએ નાણાં પરત માગતાં ઉત્તમકુમારે ચેક લખી આપ્યો હતો, જે પરત ફરતાં કેસ દાખલ કરાવાયો હતો. આ કેસમાં જ્યુ. મેજિ. (ફ.ક.) બી. એન. ત્રિવેદીએ આરોપી ઉત્તમકુમારને એક વર્ષની કેદની સજા તથા રૂા. 4.90 લાખ વળતર ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો છે. ફરિયાદીના વકીલ તરીકે દેવાયત એમ. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અશોક આર. માતા, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જય કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા. 

Panchang

dd