નખત્રાણા, તા. 13 : પંથકના `માકપટ્ટ' વિસ્તારમાં છેલ્લાં ઘણા દિવસોથી
આગ ઝરતી લૂ તથા ઊંચા તાપમાનના કારણે વાડી-ખેતરોમાં શ્રમિકો કામ પર જવાનું ટાળતાં ખેતી
ઉપર માઠી અસર થવા પામી છે. દિવસભર વહેતા `લૂ'ના વાયરાની રાત્રે પણ અસર વર્તાતી હોઈ પશુપક્ષી સહિત જનજીવન
ત્રાહિમામ છે. જેમાં ખાસ કરીને દુધાળા ઢોળઢાંખર માટે ઘાસચારાની વધુ સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની મોસમમાં સીમાડામાં ઢોરોને ચરવા
ઘાસ નહિવત્ પ્રમાણ રહેતુ હોવાથી લીલી મકાઈ, જુવાર, બાજરી, રંજકો સહિતના ઘાસચારા પર
ઢોર નભતા હોય છે. જીવદયા પ્રેમીઓ, દેશ-પરદેશથી દાતાઓ દ્વારા ખાસ કરીને ગૌવંશના ઢોરો-ગાય,
વાછરડાં-વાછરડી, નંદીઓને લીલા ઘાસનું નીરણ કરવામાં આવે છે. માકપટ્ટની વાડીઓમાં લીલાચારાનું
વાવેતર કરાયેલું છે. દાતાઓ દ્વારા ઘાસ ખરીદીને નીરણ કરાવવા પૈસાનો તોટો નથી પણ અસહ્ય
ગરમી, લૂ વાળા તાપમાનના કારણે લીલાચારાની કાપણી કરવા શ્રમિકો મળતા નથી. જેથી કાપણીના
અભાવે ઢોરો માટે ચારાની સમસ્યા સર્જાઈ છે, તેવું ગૌસેવાની પ્રવૃત્તિ કરતા મોટી વિરાણીના
તરૂણભાઈ રાજદેએ જણાવ્યું હતું.