ભુજ, તા. 13 : શહેરમાં ભરઉનાળે લોકોને પાણીની
તંગીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નગરપાલિકા તંત્ર સામે નારાજગીનો સૂર ઊઠયો છે. અપૂરતા
વિતરણને પગલે શહેરીજનોને મોંઘા ભાવે ટેન્કર ખરીદવા પડી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.
ઊનાળો આવે એટલે ભુજવાસીઓને અપુરતું પાણી વિતરણ થશે તેવી ચિંતા વર્ષોથી સતાવી રહી છે.
નર્મદા નીર આધારિત બની ગયેલા ભુજની પાણી સમસ્યા ઉકેલવા માટે નવી નવી યોજનાઓ જાહેર થતી
રહે છે પણ વર્ષો જૂની આ સમસ્યાઓનો ઉકેલ હજુ સુધી સુધરાઈને મળ્યો ન હોય તેમ ભરઉનાળે
અનેક દિવસો સુધી પાણીથી વંચિત રહેવું પડતું હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. થોડા સમય
પહેલાં ભુજની પાણી સમસ્યા ઉકેલવા ધુનારાજા ડેમનો વિકલ્પ વિચારાયો અને તેના પર ધારાસભ્ય
કેશુભાઈ પટેલે સંલગ્ન તંત્ર સાથે બેઠકો યોજી ઉપરોક્ત સમસ્યા ઉકેલવા મનોમંથન કર્યું.
પણ અમુક કારણો ધ્યાને આવતાં આ યોજના માંડી વળાઈ અને ત્યારબાદ લેર ડેમમાં પાણી સંગ્રહની
યોજના પર વિચારણા હાથ ધરાઈ. હવે આ યોજના જ્યારે મૂર્તિમંત્ર થાય ત્યારે પણ ત્યાં સુધી
જો સુધરાઈ તંત્ર ભુજવાસીઓને પુરતું અને નિયમિત પાણી ન આપી શકતું હોય તો શહેરના ખાનગી
ટેન્કરો હસ્તગત કરી કમસેકમ રાહત ભાવે ભુજવાસીઓને
પાણી પહોંચાડવું જોઈએ તેવી લાગણી જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં પ્રખર તાપ વરસી
રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં છ-સાત દિવસે પાણી વિતરણ કરાય છે. અને તે પણ ધીમાં
દબાણે જેથી લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી તંગી પાછળના કારણો
જાણવા ભુજ સુધરાઈના મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાતા `નો રિપ્લાય' આવ્યો હતો.