અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બુધવારે મળેલી બેઠકમાં અમદાવાદ (સરખેજ)-ધોલેરા સેમી-હાઇ-સ્પીડ ડબલ લાઇન રેલ્વે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત ભારતીય રેલ્વેનો પ્રથમ પ્રોજેક્ટ છે. જેમાં કુલ 20,667 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત નવતર પ્રોજેક્ટની ભેટ ગુજરાતને આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતને મળવો એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાનના વિઝનથી શરૂ થનારો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે. આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરતો અને સ્વદેશી ટેકનોલોજી પર આધારિત ભારતીય રેલ્વેનો આ પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ, ધોલેરા જઈંછ, નિર્માણાધીન ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડનારો બહુ આયામી પ્રોજેક્ટ બનશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરીનો સમય ઘટશે. જેનાથી દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવું શક્ય બનશે. આ સેમી-હાઈ-સ્પીડ રેલ્વેથી સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ લાભ આપશે. અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 134 કિમીનો વધારો કરશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ લગભગ 5 લાખની વસ્તી ધરાવતા 284 ગામડાઓ સાથે કનેક્ટિવિટી વધારશે. 134 કિલોમીટરનો આ કોરિડોર વર્ષ 2030-31 સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય છે. નવી લાઇન દરખાસ્ત સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે. ભારતીય રેલ્વે માટે કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં વધારો કરશે.