• ગુરુવાર, 14 મે, 2026

મોદી, મંત્રીઓના કાફલામાં માત્ર બે જ કાર રહેશે

નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની દેશવાસીઓને અપીલની અસર અને ચોમેર ચર્ચા વચ્ચે ખુદ વડાપ્રધાને આ અપીલ પર અમલ કરવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન મોદી બુધવારે બે ગાડીના કાફલા સાથે પોતાનાં ઘરથી નીકળ્યા હતા. એક કારમાં ખુદ મોદી હતા, તો બીજી કારમાં તેમની સુરક્ષામાં તૈનાત એસપીજીના જવાનો હતા. મોદીની આ પહેલના પડઘારૂપે ગુજરાત સહિત દેશભરમાં મુખ્યમંત્રીઓ, નેતાઓ ન્યાયમૂર્તિઓએ કાફલાઓમાં વાહનો ઘટાડવા સહિત ઇંધણ બચતનાં પગલાં લીધાં હતાં. ઉત્તર પ્રદેશમાં પણ મંત્રીઓને છ મહિના સુધી વિદેશ પ્રવાસો ટાળવાની સલાહ સાથે તમામ મંત્રી એક દિવસ જાહેર પરિવહનનો ઉપયોગ કરે, તેવી અપીલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી હતી. યોગીએ ડિજિટલ કાર્ય સંસ્કૃતિ અને શકય હોય ત્યાં `વર્ક ફ્રોમ હોમ' પર ભાર મૂક્યો હતો. છત્તીસગઢ સરકાર પણ સરકારી વાહનોને ઇંધણ ફાળવણીમાં કાપ મૂકવા જઇ રહી છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે કહ્યું હતું કે, રાયપુર નગર નિગમે પણ હવેથી દર મહિને 160 લિટર ઇંધણની મર્યાદા બાંધી નાખી છે.રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી દેવાઇ છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ બુધવારે કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે ઇલેક્ટ્રિક વાહનથી સચિવાલય પહોંચ્યા હતા, તો દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદ દિલ્હી મેટ્રોમાં સવારી કરીને પછી ઇ-રિક્શાથી એક કાર્યક્રમમાં ગયા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી આશિષ સેલારે ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટેનો ફ્રાન્સ પ્રવાસ રદ્ કરી દીધો હતો. દેશના ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્યમંત્રી જે.પી. નડ્ડા, જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે પણ તેમના કાફલાઓમાંના વાહનોની સંખ્યા પર કાપ મૂકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના કાફલામાં સામાન્ય રીતે 15 ગાડી રહેતી હોય છે. હવે પીએમ પોતાની કાર ઉપરાંત સુરક્ષા કર્મીઓની એક માત્ર વધારાની કાર સાથે રાખશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પીએમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને પોતાની જ અપીલ પર અમલ કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ આપ્યું છે. હવે આ અભિયાન જનઆંદોલન બની શકે છે. નેતૃત્વ જાતે અમલ કરે છે ને ત્યારે તેવી પહેલ જનઆંદોલન બની જાય છે. મોદીજીની આ પહેલમાંથી પ્રેરણા લઇને હું પણ મારા કાફલામાં વાહનો ઘટાડી રહ્યો છું, તેવું નબીને કહ્યું હતું. દરમ્યાન, વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલની અસર જોવા મળી હતી. દિલ્હીમાં મંત્રી આશિષ સુદે મેટ્રોમાં બેઠા પછી ઇ-રિક્શા સવારી કરી હતી.મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે પોતાના કાફલામાં કારોની સંખ્યા ઘટાડી દીધી હતી, તો ન્યાયમૂર્તિ ડી.ડી. બંસલ સાઇકલ જાતે ચલાવીને હાઇકોર્ટ પહોંચ્યા હતા. - ગુજરાતમાંયે ઈંધણ બચત અભિયાન : અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા કરેલી અપીલની ગુજરાતમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુજરાત સરકારે આ દિશામાં એક ક્રાંતિકારી  નિર્ણય લેતા રાજ્યમાં મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓને મળતી કોન્વોય (કાફલા) અને પાયલાટિંગ  જેવી વીઆઈપી સુવિધાઓમાં મોટો કાપ મૂક્યો છે. રાજ્ય સરકારના નવા નિર્ણય મુજબ, હવેથી માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને જ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કોન્વોય (વાહનોનો કાફલો) સુવિધા અપાશે. રાજ્યના અન્ય તમામ કેબિનેટ અને રાજ્યમંત્રીઓને નોન- કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, એટલે કે હવે મંત્રીઓ મોટા લશ્કરી કાફલા વગર સામાન્ય નાગરિકની જેમ મુસાફરી કરતા જોવા મળશે. વડાપ્રધાનની અપીલને અમલમાં મૂકવાની શરૂઆત ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી જ્યારે કોઈ જિલ્લાના પ્રવાસે હોય ત્યારે 10 થી 15 વાહનોનો કાફલો તેમની સાથે હોય છે. જોકે, અમરેલી જિલ્લાના રાજુલા ખાતે  22 કરોડના ખર્ચે નિર્મિત ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રીએ સૌને ચોંકાવી દીધા હતા. તેઓ પ્રોટોકોલ તોડીને માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બનશે કે રાજ્યપાલ સામાન્ય જનતાની જેમ મુસાફરી કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિર્ણય લીધો છે કે તેઓ હવે પછીની પોતાની મુસાફરી માટે હેલિકોપ્ટર કે વિમાનના બદલે એસટી બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકામાં યોજાનાર ગુજરાતી કન્વેન્શનનો પોતાનો પ્રવાસ રદ કર્યો છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ જ રાહ અપનાવી છે. મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ પણ પોતાની પાઇલાટિંગ સેવાઓ છોડી દીધી છે. માત્ર મંત્રીઓ જ નહીં, પણ શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ અભિયાનમાં ઝંપલાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલમાં `વક્ર ફ્રોમ હોમ' વ્યવસ્થા નથી, પરંતુ યુનિવર્સિટીમાં  કાર પાલિંગ ફરજિયાત કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. 

Panchang

dd