• ગુરુવાર, 14 મે, 2026

લૂની સ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર

ભુજ, તા. 13 : રાજ્યમાં હીટવેવ અર્થાત લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ રેડ એલર્ટ જાહેર કરાય તે સમયગાળો માત્ર ગરમી નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે ગંભીર ચેતવણી સમાન છે. તેથી જણાવેલા પગલાંઓ લેવાં અનુરોધ કરાયો છે. તરસ ન લાગે તો પણ 20-30 મિનિટે પાણી પીવા, હળવા, સૂતરાઉ અને ઢીલાં કપડાં પહેરવા, ફળોનું સેવન કરવા, બપોરે 12થી 4 સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવા જણાવાયું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, રેડ એલર્ટ સમયે હીટસ્ટ્રોકની શક્યતા સૌથી વધુ હોય છે. તાવ, માથામાં અસહ્ય દુ:ખાવો અને ચક્કર આવવા, ઉબકા કે ઊલટી થવી, ત્વચા લાલ, ગરમ અને સૂકી થઈ જવી જેવા લક્ષણ જણાય તો અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ઠંડી જગ્યાએ લઈ જવા, શરીર પર ઠંડાં પાણીના પોતા મૂકવા, જો વ્યક્તિ ભાનમાં હોય તો તેને પાણી અથવા ઓઆરએસ પીવડવવું તેમજ તુરંત 108 એમ્બ્યુલન્સની મદદ લેવી અથવા વ્યક્તિને નજીકના દવાખાને ખસેડવા જણાવાયું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા સૂચન કરાયાં છે. હીટવેવટથી હારવાનું નથી. લડવાનું છે. સાવચેતી એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. ગરમીને હળવાશથી ન લેવા અને વહીવટી તંત્ર દ્વારા અપાયેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd