• ગુરુવાર, 14 મે, 2026

`નીટ'પરીક્ષાર્થીઓનાં ભાવિ સાથે ગંભીર ચેડાં

દેશભરના તેજસ્વી વિદ્યાર્થીનાં ભવિષ્ય માટે ચાવીરૂપ પ્રવેશ પરીક્ષા ફરી એક વખત વિવાદમાં છે. મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની નીટ (યુજી) પરીક્ષાને તેનાં પ્રશ્નપત્ર લીક થયાનું સામે આવતાં રદ કરવાની ફરજ પડી છે. લગભગ બાવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓની તૈયારીની સામે આવેલા આ અંતરાયે ભારે વિરોધ જગાવ્યો છે. સરકારે આખા મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે અને આ રદ કરાયેલી પરીક્ષા આગામી સમયમાં યોજવાની હૈયાધારણ પણ આપી છે. નવેસરથી લેવાનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને નવી ફી કે ફોર્મની આવશ્યકતા નહીં રહે એવી જાહેરાત પણ સરકારે કરી છે. જો કે, આ ચર્ચાસ્પદ પ્રકરણથી પરીક્ષાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક રીતે પડી રહેલી અસર સામે સરકાર પાસે કોઈ જવાબ નથી.દેશભરમાં ઉચ્ચ શિક્ષણ માટે અનિવાર્ય પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ત્રીજી મેના મેડિકલ અભ્યાસ માટેની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશની પરીક્ષા યોજાઈ હતી.  આ આયોજન તે સમયે સમુંસૂતરું પાર પડી ગયાનું જણાતાં એનટીએ અને સરકારે રાહતના શ્વાસ લીધા હતા, પણ મંગળવારે આ પ્રતિષ્ઠિત પરીક્ષાનાં પ્રશ્નપત્ર લીક થયાનું સામે આવતાં તેને રદ કરવાની જાહેરાત થઈ છે. દેશભરમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા અને વિરોધપક્ષોને સરકાર સામે ઉગામવા શત્ર મળી ગયું છે. નાગરિકોમાંય નિરાશા છે, કેમ કે અતિ ઉચ્ચ સ્તરની પરીક્ષા માટે છાત્રોએ ભારે મહેનત માગી લેતી તૈયારી કરી હોય છે. મોંઘી ટયુશન ફીથી લઈને કિંમતી સમય પણ ખર્ચ્યો હોય છે. પ્રશ્ન એ છે કે સરકાર નવી પરીક્ષા માટે ભલે નવી ફી ન લે કે વ્યવસ્થા સરળ રાખે, પણ પરિશ્રમ અને વધારાના ખર્ચની ભરપાઈ કઈ રીતે થશે? મેડિકલ ઉપરાંત એન્જિનીયરંગના અભ્યાસક્રમો માટેની નીટ, જેઈઈ, નેટ અને યુજીસી પરીક્ષાનું સંચાલન કરતી એનટીએ દ્વારા આ પ્રથમ છબરડો છે એમ નથી. છેલ્લાં થોડાં વર્ષોથી આવા નાના - મોટા કિસ્સા સામે આવતા રહે છે. 2024માં પરીક્ષા દરમ્યાન અન્ય ભાષાનાં પ્રશ્નપત્રો અપાયાંની ફરિયાદ સામે આવી હતી. તે સમયે ગ્રેસ માર્ક્સ આપવાની વાત થઈ, જે છેક પેપર લીક સુધી પહોંચી હતી.  જો કે, પરીક્ષાને રદ કરાઈ ન હતી.  2018માં એનટીએની સ્થાપના થઈ  ત્યારથી તેની સામે આરોપો લાગતા રહ્યા છે. જો કે, આ વખતનો કિસ્સો અત્યાર સુધીનો સૌથી ગંભીર અને ચિંતાજનક છે. એનટીએનો દાવો છે કે આ વખતે પરીક્ષાનાં આયોજનમાં ભારે ગુપ્તતા જાળવવામાં આવી હતી.  જીપીએસ ટ્રેકિંગ ધરાવતાં વાહનોમાં પ્રશ્નપત્રો લઈ જવાયાં હતાં. સાથોસાથ, પરીક્ષા કેન્દ્રોમાં એઆઈ આધારિત સીસી ટીવી કેમેરાથી સજ્જ મધ્યસ્થ કન્ટ્રોલરૂમ કાર્યરત કરાયા હતા, પણ કડવી વાસ્તવિકતા એ છે કે આટલી બધી જડબેસલાક વ્યવસ્થા હોવા છતાં પ્રશ્નપત્ર વ્યાપક રીતે લીક થયું. સરકારે પરીક્ષા રદ કરવાની સાથોસાથ પેપર લીકની તપાસ સીબીઆઈને સોંપી છે. આ સંદર્ભમાં અમુક નામો સામે આવ્યાં છે અને ધરપકડ પણ થઈ છે.  જો કે, સવાલ એ છે કે પરીક્ષાનાં આયોજનને આવાં લીકથી બચાવવા માટે સરકાર કે એનટીએ પાસે કોઈ અસરકારક ઉપાય હજી જણાતો નથી. સ્વાભાવિક રીતે પરીક્ષાને રદ કરવાના નિર્ણયનો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે વિરોધ થયો છે.  કોંગ્રેસે દેશવ્યાપી રાજકીય દેખાવો પણ કર્યા છે. જો કે, એક વખત પરીક્ષા આપ્યા બાદ તેના ભારને છોડી ચૂકેલા યુવાન પરીક્ષાર્થીઓની માનસિક હાલત તરફ પણ ખાસ ધ્યાન અપાવાની જરૂરત  છે. કેન્દ્ર સરકાર માટે આ પ્રકારનો બનાવ આંતરરાષ્ટ્રીયસ્તરે ક્ષોભજનક કહી શકાય. 

Panchang

dd