ભુજ, તા. 13 : અહીંના વેપારીની 80-90 લાખનું ચાંદી ભરેલું પાર્સલ અમદાવાદથી આંગડિયા
પેઢીનો કર્મચારી લઇને રફુચક્કર થઇ જતાં તેની ભાળ મળી નથી. અમદાવાદના કાલુપુર પોલીસ
મથકે પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢી ચલાવતા અંકિતભાઇ પ્રવીણભાઇ પારેખે
નોંધાવેલી ફરિયાદ મુજબ અમદાવાદથી ભુજ પાર્સલ આપવા કામ કરતા વડનગરના મિરજાપુરના જિગરસિંહ
દશરથસિંહ વિહોલને રૂા. 80.56 લાખની
કિંમતનાં પાર્સલનો થેલો તા. 6/5ના
આપ્યો હતો અને રાતે પાલડીથી ટ્રાવેલ્સની બસથી માંડવી જતી બસમાં બેસાડયો હતો, પરંતુ બીજા દિવસે સવારે ભુજમાં
ઓફિસના કર્મચારી નટવરજી જ્યુબિલી સર્કલ પાસે પહોંચ્યા ત્યારે તે બસમાં જિગરસિંહ મળ્યા
ન હતા અને તેમનો ફોન બંધ આવતાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. આ પાર્સલમાં સ્થાનિકના
ચાર વેપારીનો માલ હોવાની વિગતો મળી છે, જેમાં એક વેપારીનો 60થી 70 લાખનો માલ હતો. આમ વેપારીઓ ચિંતિત બન્યા છે. ભુજની એલસીબીનો આ અંગે સંપર્ક
કરતાં તપાસ અમદાવાદની પોલીસ પાસે છે, પરંતુ જે-તે બસ ભુજ પહોંચી ત્યારના સીસીટીવી ફૂટેજ ચકાસતાં
આરોપી ભુજ સુધી પહોંચ્યો જ નથી. આમ, તે રસ્તામાં જ છૂ થયાનું
તારણ સામે આવ્યું છે. સ્થાનિક વેપારીઓ આંગડિયા પેઢી સામે પણ શંકાની દૃષ્ટિએ જોઇ રહ્યા
હોવાથી તે દિશામાં તપાસ થાય તેવોય ગણગણાટ શરૂ થયો છે.