• ગુરુવાર, 14 મે, 2026

રાપર તાલુકામાં થયેલી કિશોરીની છેડતી પ્રકરણે ચાર વર્ષની કેદ

ગાંધીધામ, તા. 13 : રાપર તાલુકાના ગામમાં કિશોરીની છેડતીનાં પ્રકરણમાં ન્યાયાલયએ આરોપીને તકસીરવાન ઠેરવી તેને ચાર વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. રાપર તાલુકાના ગામમાં ગત તા. 2/6/2024ના આ ચકચારી બનાવ બન્યો હતો. એક કિશોરીના પિતા વાડીએ કામ અર્થે ગયા હતા. કિશોરી એકલી હતી ત્યારે કીડિયાનગરનો આરોપી એવો પ્રવીણ પ્રાગજી પરમાર ત્યાં આવ્યો હતો અને કિશોરીના પિતા ક્યાં છે તેમ પૂછી તે ત્યાં ન હોવાથી એકલતાનો લાભ લઈ આ શખ્સે છેડતી કરી હતી. બાદમાં ફરિયાદી ઘરે પરત આવતાં રડતાં રડતાં કિશોરીએ આપવીતી કહી હતી. જેના આધારે ગાગોદર પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો દર્જ કરી તપાસ કરી આરોપીની અટક કરી હતી. બાદમાં તેની વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તા. 9/7/2024ના કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ ભચાઉની વિશેષ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરાયેલા નવ સાહેદોના મૌખિક નિવેદન તથા 15 જેટલા દસ્તાવેજો ચકાસી અને બંને પક્ષોની દલીલો બાદ ન્યાયાધીશ અંદલિપ તિવારીએ આ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને જુદી-જુદી કલમો તળે ચાર વર્ષની સખત કેદ તથા દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધુ કેદનો ચુકાદો આપ્યો હતો. દંડની રકમની યોગ્ય ચકાસણી બાદ તે રકમ ભોગ બનનારને આપવા આદેશ કરાયો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી. 

Panchang

dd