મેલબોર્ન તા. 23 : વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના
મહિલા અને પુરુષ વિભાગના નંબર વન ખેલાડી આર્યના સબાલેંકા અને કાર્લોસ અલ્કરાજ પ્રી-કવાર્ટર
ફાઇનલમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત કોકો ગોફ, એલિના સ્વિતોલિના, ડેનિયલ મેદવેદેવ પણ ત્રીજા રાઉન્ડની
જીત સાથે આગળ વધ્યા છે. બેલારૂસની નંબર વન સબાલેંકાનો ત્રીજા રાઉન્ડમાં અનાસ્તાસિયા
પોટાપોવા સામે 7-6 અને 7-6થી સંઘર્ષપૂર્ણ વિજય થયો હતો.
કેનેડાની 19 વર્ષીય ખેલાડી વિટોરિયા મ્બોકો
પણ પહેલીવાર પ્રી કવાર્ટરમાં પહોંચી છે. જયાં તેની ટકકર સબાલેંકા વિરૂરૂધ્ધ થશે. મ્બોકોનો
ત્રીજા રાઉન્ડમાં કલારા ટોસન સામે 7-6, પ-7 અને 6-3થી વિજય થયો હતો. અમેરિકી ખેલાડી
અને વિશ્વ નંબર 3 કોકો ગોફે
ત્રીજા રાઉન્ડમાં હમવતન ખેલાડી હેલિ બપ્ટીસને 3-6, 6-0 અને 6-3થી હાર આપી
હતી. 12 ક્રમની યૂક્રેનની એલિના સ્વિતોલિના
પણ ત્રીજા રાઉન્ડની જીત સાથે આગળ વધી છે. રૂસી યુવા ખેલાડી મીરા એન્ડ્રિવા પણ ત્રીજા
રાઉન્ડની જીત સાથે પ્રી-કવાર્ટરમાં પહોંચી છે. પુરુષ વિભાગમાં રૂસી ખેલાડી ડેનિયલ મેદવેદેવ
2024 પછી પહેલીવાર કોઇ ગ્રાંડસ્લેમ
ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેણે હંગેરીના ફાબિયન મોરાજસનને પાંચ સેટની
લડત પછી 6-7, 4-6, 7-પ, 6-0 અને 6-3થી હાર આપી હતી. શરૂના બે સેટ
હાર્યાં પછી મેદવેદેવે વાપસી કરી જીત નોંધાવી હતી. જયારે સ્પેનના નંબર વન કાર્લોસ અલ્કારજનો
ત્રીજા રાઉન્ડમાં ફ્રાંસના ખેલાડી કોરેંટિન સામે 6-2, 6-4 અને 6-1થી સરળ વિજય
થયો હતો. ત્રીજા ક્રમનો જર્મન ખેલાડી એલેકઝાંડર જેવરેવ પણ પ્રી-કવાર્ટરમાં પહોંચ્યો
છે.